
ભારે વરસાદ બાદ સુરતમાં સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વરાછાના પોદ્દાર આર્કેડ અને યશ પ્લાઝાની મુલાકાત લીધી.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને વેપારીઓ અને સ્થાનિકોની સમસ્યાઓ જાણી હતી. વરાછા વિસ્તારના પોદ્દાર આર્કેડ અને યશ પ્લાઝા કોમ્પ્લેક્સમાં પહોંચેલા હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વેપારીઓ સાથે સીધી ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી હતી.
યશ પ્લાઝા કોમ્પ્લેક્સ ખાતે નાયબ મુખ્યમંત્રીએ વેપારીઓ સાથે બેસીને ચાની ચૂસકી પણ લીધી હતી. આ દરમિયાન તેમણે વરસાદથી થયેલા નુકસાનનો ઝડપથી સર્વે કરાવવામાં આવશે અને અસરગ્રસ્તોને યોગ્ય રાહત મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું આશ્વાસન આપ્યું હતું.
હર્ષ સંઘવીએ કહ્યું કે સુરતીઓએ ભારે વરસાદ જેવી વિકટ પરિસ્થિતિમાં જે હિંમત અને ધીરજ દાખવી છે તે પ્રશંસનીય છે. તેમણે સુરતના નાગરિકોને સલામ કરતાં સરકાર દરેક અસરગ્રસ્તની સાથે ઉભી હોવાનું જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે આવતીકાલે સાંજે ૦૫:૦૦ વાગ્યે જિલ્લા કલેક્ટર સાથે વેપારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં તેઓ પોતે પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં બ્રિજના નિર્માણ સાથે સંકળાયેલી સિક્કો કંપનીના અધિકારીઓને પણ કલેક્ટર કચેરીએ બોલાવવામાં આવશે. જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કારણો અને જવાબદારી અંગે ચર્ચા કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
