ભગવાનના દર્શન કરવા નગરજનો આતુર

જય જગન્નાથ…, આજે અષાઢી બીજ છે. સૂર્યોદય થતાની સાથે જ જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળશે અને નગરજનોને અલૌકિક દર્શન આપશે. ત્યારે આ ૧૪૯ મી રથયાત્રાની પળેપળની ખબર ગુજરાત સમાચાર ડિજિટલ તમારા સુધી પહોંચાડી રહ્યું છે.

રથયાત્રાના અવસરે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર રંગબેરંગી લાઈટથી ઝળહળી ઊઠ્યું છે. મંદિરની બહાર અત્યારે 3.30 વાગ્યે ભક્તો લાઈનમાં ઊભા રહીને ભગવાનની મંગળા આરતીનો લહાવો લેવા તરસી રહ્યા છે. આ સાથે જ જય રણછોડ માખણ ચોરના જયઘોષ કરી રહ્યા છે. તો મંદિરની અંદર પણ ઢોલ નગારા અને શરણાઇના સૂર ગુંજી રહ્યા છે. એટલું જ નહીં મંદિરની અંદર – બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામના રથ ખેંચનારા તમામ ખલાસીઓનું આધાર ઇનેબલ એપ દ્વારા ખાસ વેરિફિકેશન કરીને મંદિર તરફથી બારકોડવાળા ઓળખપત્ર ઈશ્યુ કરવામાં આવશે. રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણેય રથ ઉપર ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ રાખવામાં આવશે. ખાસ કરીને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના એમ કુલ ત્રણેયના રથ સાથે કેમેરાવાન, GPS અને વાયરલેસ સેટની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ રથની સુરક્ષા વ્યવસ્થામાં ૧ DCP, ૨ DySP, ૨ PI તથા અન્ય પોલીસ ફોર્સ સતત સાથે રહેશે. રથના મુખ્ય ઇન્ચાર્જ તરીકે ૧ ASP અને તેમની મદદ માટે ૧ PI ફરજ બજાવશે. રથની આગળ અને પાછળ એક-એક DySP કક્ષાના અધિકારી, જ્યારે ડાબી અને જમણી બાજુએ એક-એક PI હાજર રહેશે. આ ઉપરાંત, વ્યવસ્થા જાળવી રાખવા માટે પુશીંગ સ્ક્વોર્ડના અધિકારીઓ દ્વારા રથને દોરડાથી કોર્ડન કરવામાં આવશે.

આ વર્ષે મોસાળ ગણાતા સરસપુરમાં ભગવાનનું પરમ આકર્ષણ એવું ‘મામેરું’ કરવાનો સુઅવસર સરસપુરના જ વતની અને ઉદ્યોગપતિ તેજસ દવેના પરિવારને પ્રાપ્ત થયો છે. છેલ્લા 5 થી 7 વર્ષના સતત પ્રયાસો બાદ, જ્યારે તેઓ દ્વારકાની યાત્રાએ હતા ત્યારે મંદિર તરફથી ડ્રોમાં તેમનું નામ નીકળ્યાના સમાચાર મળતા જ સમગ્ર પરિવાર ભાવવિભોર થઈ ગયો હતો. ત્રણેય ભગવાનના વસ્ત્રો એટલે કે વાઘા માટેનું ખાસ કાપડ પવિત્ર ભૂમિ વૃંદાવનથી મંગાવવામાં આવ્યું છે, જેની સુંદર ડિઝાઇન દરિયાપુરમાં તૈયાર કરવામાં આવી છે. આ વાઘામાં ખાસ કરીને મોર અને મોરપીંછની અદભુત ડિઝાઇન આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત, ભગવાન માટેના તમામ અલંકારો, જેમાં ભવ્ય મુગટ, હાર અને કિંમતી ચેન સહિતના દાગીનાઓ અમદાવાદના સુપ્રસિદ્ધ માણેકચોક બજારમાં તૈયાર કરાવવામાં આવ્યા છે.
![]()
અમદાવાદની ૧૪૯ મી રથયાત્રા માટે ૨૧ વર્ષીય ઝરણા પંચાલે પોતાની ભક્તિ અને કળાનો અદભુત સમન્વય સાધીને ગજરાજો પર વિશેષ થીમ આધારિત પેઇન્ટિંગ કર્યું છે. એક મહિના અગાઉથી શરૂ કરેલી તૈયારીઓ બાદ, તેણે ગઈકાલે હાથીઓને કોઈ નુકસાન ન થાય તે માટે ઇકો-ફ્રેન્ડલી રંગોનો ઉપયોગ કરીને તેમની સૂંઢ, આંખ અને કાન પર આકર્ષક ચિત્રકામ કર્યું છે. પોતાની નક્કી કરેલી સુંદર થીમ મુજબ, ઝરણાએ વચ્ચેના હાથી પર ભગવાન જગન્નાથજી અને બાકીના બે હાથીઓ પર સુભદ્રાજી તથા બલરામજીના ચિત્રો દોરીને ત્રણેય ભગવાનની એક ભવ્ય થીમ સાકાર કરી છે. આ સાથે જ તેણે પોતાના હાથે બનાવેલી ફૂલોની સુંદર હારમાળા પણ તૈયાર કરી લીધી છે, અને હવે આ શણગારેલા ગજરાજો રથયાત્રામાં ભગવાનના રથની શાનદાર આગેવાની કરવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયા છે.

ભગવાન જગન્નાથજીની આ યાત્રામાં સામેલ તમામ ટ્રક સંચાલકો અને ડ્રાઈવરોનું આધાર એપ દ્વારા ફરજિયાત વેરિફિકેશન કરીને જ ઓળખપત્ર આપ્યા છે, તેમજ તમામનું મેડિકલ ચેકઅપ પણ કરાયું છે. સુરક્ષા અને ઈમરજન્સીના ભાગરૂપે દરેક ટ્રકમાં મુખ્ય ડ્રાઈવરની સાથે એક પોલીસ ડ્રાઈવર બેસશે, RTO તથા બોમ્બ સ્ક્વોડ દ્વારા વાહનોનું કડક ચેકિંગ કરાયું અને રસ્તામાં વાહનોની મરામત માટે દર ૧૦ ટ્રકની પાછળ AMCની સ્પેશિયલ રિપેરિંગ ટીમ તહેનાત છે. આ ઉપરાંત, રથયાત્રામાં જોડાતા તમામ ટ્રકો અને અખાડાઓનું GPS તથા ૧૦૦ હાઈટેક ડ્રોન કેમેરાથી રિયલ-ટાઇમ લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, અને લોકોના વિશેષ આકર્ષણ માટે ગુજરાત પોલીસ, AMC તથા લીગલ સેલના ખાસ ટેબ્લો પણ યાત્રામાં સામેલ કરાયો છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા માટે બહારના જિલ્લાઓમાંથી આવતા 4500થી વધુ પોલીસકર્મીઓના મેનેજમેન્ટ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ખાસ ‘વોઇસ AI’ સિસ્ટમ તૈયાર કરી છે. અગાઉ પોલીસકર્મીઓની ડ્યુટી, રહેવા-જમવાની વ્યવસ્થા અને ઇન્ચાર્જની માહિતી વ્યક્તિગત રીતે આપવી ક્રાઈમ બ્રાન્ચ માટે ખૂબ મુશ્કેલ હતું. આ સમસ્યાના ઉકેલ રૂપે માત્ર દોઢ કલાકમાં તૈયાર કરાયેલી આ કસ્ટમાઇઝ્ડ AI સિસ્ટમમાં તમામ ડેટા અપલોડ કરવામાં આવ્યો છે. હવે જ્યારે કોઈ પોલીસકર્મી જાહેર કરાયેલા નંબર પર ફોન કરે છે, ત્યારે આ વોઇસ AI તેમને ‘જય જગન્નાથ’ કહીને તેમના નામથી આવકારે છે અને નોકરીનું સ્થળ, રિપોર્ટિંગ અધિકારીનો સંપર્ક તેમજ રહેવા-જમવાની તમામ માહિતી સચોટ રીતે આપે છે, જેનાથી તંત્ર માટે મેનેજમેન્ટનું આ મોટું કામ સાવ સરળ બની ગયું છે.

રથયાત્રાનો રુટ
• જગન્નાથ મંદિર
• AMC ઓફિસ
• ઢાળની પોળ
• રાયપુર ચકલા
• ખાડિયા
• કાલુપુર રેલવે સ્ટેશન
• કાલુપુર દરવાજા
• સરસપુર
• પ્રેમ દરવાજા
• દિલ્હી ચકલા
• શાહપુર દરવાજા
• આર.સી. હાઈસ્કૂલ
• ઘી કાંટા
• માણેકચોક
• જગન્નાથજી મંદિર
વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
