આવતીકાલે સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર, ઠેર ઠેર પાણી ભરાયા

અમદાવાદ શહેરમાં ગુરુવારે સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આખા શહેરમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સવારે ૦૬:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીના માત્ર ૬ કલાકના સમયગાળામાં પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં ૫ થી ૬ ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પ્રહલાદ નગરમાં વાહનો તરતા જોવા મળ્યા છે અને વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ જતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે.
![]()
અમદાવાદમાં ૬ ઇંચથી વધુ વરસાદમાં ૯ અંડરપાસ બંધ, એસ.જી. હાઇવે પર ટ્રાફિક ઠપ, જનજીવન પ્રભાવિત

વિરાટનગર-નિકોલ માર્ગ પર વરસાદી પાણીથી ટ્રાફિક પ્રભાવિત, વાહનચાલકોને હાલાકી!

અમદાવાદ શહેરમાં પડેલા વરસાદ બાદ વિરાટનગરથી નિકોલ ગામ તરફ જતાં માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક સ્થળોએ રસ્તા પર એટલું પાણી ભરાયું હતું કે પસાર થતી ગાડીઓના અડધા ટાયર સુધી પાણીમાં ડૂબી જતા જોવા મળ્યા. રોડ પર પાણી ભરાતા ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી. ખાસ કરીને ઓઢવ રિંગ રોડથી નિકોલ દાસ્તાન સર્કલ સુધીના વિસ્તારમાં પાણી ભરાવાને કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાફિકનું દબાણ વધતા ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વાહનોની અવરજવર સુચારૂ બને તે માટે ટ્રાફિકનું નિયમન તથા ક્લિયરન્સની કામગીરી હાથ ધરી હતી. જેના કારણે ધીમે ધીમે ટ્રાફિકની સ્થિતિમાં સુધારો નોંધાયો હતો.


સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે, ભારે વરસાદ દરમિયાન આ માર્ગ પર વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થાય છે. તેઓએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક વ્યવસ્થા કરવાની માંગ વ્યક્ત કરી હતી. પ્રશાસન તરફથી વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર ધીમી ગતિએ પસાર થવાની સલાહ આપવામાં આવી છે.
વેજલપુરમાં વરસાદી પાણીમાં ફસાયેલી સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

તમામ સ્કૂલ-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર
અમદાવાદ શહેરમાં ગુરુવાર સવારથી વરસી રહેલા અતિભારે વરસાદ અને સમગ્ર શહેરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના જિલ્લા કલેક્ટરની ખાસ સૂચના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં આવતીકાલે (શુક્રવારે) રજા જાહેર કરવામાં આવી છે.

એસ. જી. હાઈવે પર વિરાટ ટ્રાફિક જામ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો ફસાયો
ભારે વરસાદ વચ્ચે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ. જી. હાઈવે પર થલતેજથી ઇસ્કોન તરફના માર્ગે કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અતિભારે ટ્રાફિકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ પેલેડિયમ મોલ ચાર રસ્તા પાસે લાંબો સમય સુધી ફસાઈ ગયો હતો. ટ્રાફિક હળવો કરવા માટે પેલેડિયમ મોલ પાસેનો રોડ કટ પણ ખોલવો પડ્યો હતો.
અમદાવાદ પોલીસ બની ‘દેવદૂત’: ફસાયેલા બાળકો અને વિદ્યાર્થીઓને ડ્રોપ કર્યા

આવી આપત્તિજનક સ્થિતિ વચ્ચે અમદાવાદ શહેર પોલીસે સરાહનીય અને માનવતાવાદી કામગીરી કરી નાગરિકોના દિલ જીતી લીધા છે:

- સરખેજ પોલીસ: એલ.જે. કોલેજ પાસે પાણી ભરાતાં અટવાયેલા વિદ્યાર્થીઓને બસ સ્ટેન્ડ સુધી સુરક્ષિત પહોંચાડ્યા.
- પીસી પોઇન્ટ: વરસાદમાં ઝાડ નીચે આશ્રય લઈ રહેલી 3 વિદ્યાર્થીનીઓને સરકારી વાહનમાં ઘરે ડ્રોપ કરી.
- વસ્ત્રાપુર અને દાણીલીમડા: સ્કૂલ વાન પાણીમાં ફસાઈ જતાં પોલીસે બાળકોને અન્ય સુરક્ષિત વાહનમાં રવાના કર્યા.
અંડરપાસ બંધ અને વાસણા બેરેજના ૩ દરવાજા ખોલાયા

પાણી ભરાવાના કારણે તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે અખબાર નગર, પરિમલ, જલારામ, ઉસ્માનપુરા અને શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં વાસણા બેરેજના ૩ ગેટ ખોલી દેવાયા છે અને સાબરમતી નદી કિનારે ન જવાની નાગરિકોને કડક અપીલ કરવામાં આવી છે.

શાળાઓ માટે DEOની ખાસ માર્ગદર્શિકા
શહેરમાં શાળાઓ અને કોલેજોમાં પાણી ભરાયા હોય તો શાળા સંચાલકોને પોતાની વિવેકબુદ્ધિથી રજા આપવા અથવા વિદ્યાર્થીઓને વહેલા છોડવા સિટી DEO દ્વારા સૂચના આપવામાં આવી છે.

- વિદ્યાર્થીઓની સલામતી પ્રથમ: શાળામાં કોઈ ખુલ્લા ઇલેક્ટ્રિક વાયર ન રહે તેની ચકાસણી કરવી.
- બસ ડ્રાઇવરોને સૂચના: પાણી ભરાયેલા નાળા કે રસ્તા પરથી સ્કૂલ બસ પસાર ન કરવી.
- વાલીઓ સાથે સંપર્ક: જરૂર પડે વાલીઓને રૂબરૂ બોલાવી બાળકોને હોમ-ડ્રોપ કરવા.






આટલા ઓછા સમયમાં ખાબકેલા વરસાદથી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. હવે સવાલ એ થાય છે કે – સ્માર્ટ સિટી અમદાવાદમાં દર વર્ષે ચોમાસામાં સર્જાતી આવી જળબંબાકારની સ્થિતિનો કોઈ કાયમી ઉકેલ આવશે કે પછી નાગરિકોએ દર ચોમાસે આવી હાલાકી ભોગવવી પડશે?

ભારે વરસાદને કારણે નીચેના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ નોંધાઈ છે.
નાગરિકોને વિનંતી છે કે જરૂરી કામ સિવાય નીચેના વિસ્તારોમાંથી પસાર થવાનું ટાળવું તથા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો.
પાણી ભરાવાના સ્થળો:
* હનુમાનપુરા BRTS
* અખબારનગર અન્ડરપાસ
* સાહિબાગ અન્ડરપાસ
* જુના વાડજ BRTS
* મેમનગર BRTS થી જૈમંગલ BRTS
* માણેકબાગ BRTS
* કર્ણાવતી ક્લબ BRTS
* સરખેજ સર્કલ
* સ્વામિનારાયણ કોલેજ BRTS
* છીપા સોસાયટી BRTS
* ઝાંસી કી રાણી BRTS
* સાયન્સ સિટી એપ્રોચ BRTS
* અરવિંદ મિલ BRTS
* મુકેશ ઇન્ડસ્ટ્રીઝ BRTS
* પારશ્વનાથ જૈન મંદિર સર્વિસ રોડ
⚠️ આ વિસ્તારોમાં વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખો, ટ્રાફિક પોલીસ અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરો તથા અનાવશ્યક મુસાફરી ટાળો.
