૨.૬ ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી

ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર સવારે ૦૪:૩૯ વાગ્યે ધરતી ધ્રુજી

ગુરુવારે વહેલી સવારે અમદાવાદ નજીક ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર સવારે ૦૪:૩૯ વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી આશરે ૨૯ કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ (SSW) વિસ્તારમાં હતું. ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી અંદાજે ૨૦ કિલોમીટર નોંધાઈ હતી.

ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી મોટા પ્રમાણમાં નુકસાન કે જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. જોકે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં લોકોને હળવો ધ્રુજારો અનુભવાયો હોવાની ચર્ચા થઈ રહી છે. ગુજરાત ભૂકંપ સંવેદનશીલ રાજ્ય હોવાથી સમયાંતરે નાના-મોટા આંચકા નોંધાતા રહે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓછી તીવ્રતાના આવા ભૂકંપ સામાન્ય રીતે ગંભીર અસર કરતા નથી, તેમ છતાં સતર્કતા રાખવી જરૂરી છે. ISR દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભૂકંપની તીવ્રતા ૨.૬, સ્થાનાંક ૨૨.૮૨૯° ઉત્તર અક્ષાંશ અને ૭૨.૪૦૭° પૂર્વ રેખાંશ તેમજ સમય ૩૦ જુલાઈ ૨૦૨૬ ના રોજ સવારે ૦૪:૩૯ વાગ્યે નોંધાયો હતો.
