અમદાવાદમાં નવી ઓનલાઈન સેવા શરૂ

અમદાવાદમાં લગ્ન નોંધણી કરાવનારા નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૧ ઓગસ્ટથી લગ્ન નોંધણી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન થશે અને હવે ફોટા સાથેનું ડિજિટલ લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને લગ્ન નોંધણી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ૧ ઓગસ્ટથી લગ્ન નોંધણીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. નવી વ્યવસ્થા હેઠળ હવે અરજદારો પોતાના ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશે, જ્યારે લગ્ન પ્રમાણપત્ર પણ વર અને કન્યાના ફોટા સાથેનું આપવામાં આવશે. આ સાથે અત્યાર સુધી ચાલતી ઓફલાઈન લગ્ન નોંધણીની સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે.


નવી સિસ્ટમ લાગુ કરવામાં આવતી હોવાથી જૂની ઓફલાઈન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. તેના કારણે ૩૧ જુલાઈના રોજ લગ્ન નોંધણીની કામગીરી બંધ રાખવામાં આવશે. ત્યારબાદ ૧ ઓગસ્ટથી માત્ર ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે.

વેબસાઈટ પર લગ્ન નોંધણી માટે અલગ ટાસ્ક અને જરૂરી માર્ગદર્શિકા પણ મૂકવામાં આવી છે. તેમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કયા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે તેમજ આગળની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. અરજદાર દ્વારા ઓનલાઈન અરજી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ સંબંધિત કચેરી દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે.
