જ્યારે અનાજના વેપારીનો દીકરો ‘ગુજરાતનો નાથ’ બન્યો

૪ વર્ષની ઉંમરે રાજકોટમાં પગ મૂક્યો, નીતિન પટેલના ટેકેદારોએ મીઠાઈ મંગાવી રાખેલી, પણ અંતે ભાજપે ‘વિજય’ નામનું શ્રીફળ ફોડ્યું

Gujarat CM Rupani resigns ahead of the end of term

આનંદીબહેનના રાજીનામા પછી એક એવા મુખ્યમંત્રીની શોધ હતી. જે રાજ્યની પરિસ્થિતિને સંભાળી શકે. દરેકને એવું લાગતું હતું કે પાટીદાર અનામત આંદોલન બાદ BJPથી નારાજ પાટીદારોને મનાવવા પાર્ટી પાટીદાર ચહેરાને સ્થાન આપશે. પરંતુ એવું બન્યું નહીં. પાર્ટીએ વિજય રૂપાણી ઉપર પસંદગી ઉતારી. તેઓ એવા સમયે જ મુખ્યમંત્રી પસંદ કરાયા જ્યારે પરિસ્થિતિ ખૂબ જ કઠિન હતી. જોકે વિજય રૂપાણીનો કાર્યકાળ ઘણી-બધી બાબતોને લઈ યાદગાર રહ્યો. મુખ્યમંત્રી તરીકે તેમણે કેવી કામગીરી કરી? કેવા સંજોગોમાં તેમને પણ રાજીનામું આપી દેવું પડ્યું ? આ તમામ બાબતોની આજે વિગતવાર વાત કરીશું.

Vijay Rupani Png

૨ ઓગસ્ટ ૧૯૫૬ ના રોજ મ્યાનમારના હાલના યાંગોન અને તે સમયના રંગૂનમાં વિજય રૂપાણીનો જન્મ એક સમૃદ્ધ જૈન વાણિયા પરિવારમાં થયો હતો. તે સમયે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ નાનકડો વિજય એક દિવસ મુખ્યમંત્રી બનશે. તેમના પિતા રમણીકલાલ રૂપાણી રંગૂનમાં અનાજના વેપારી હતા. તેમના માતા માયાબેન ઘરમાં ધાર્મિક વાતાવરણ જાળવી રાખતા. વિજયભાઈ તેમના સાતમા અને સૌથી નાના પુત્ર હતા. પરિવારમાં તેઓ સાત ભાઈ-બહેનો હતા. જેમાં વડીલભાઈઓ વેપાર અને સમાજિક કાર્યોમાં વ્યસ્ત રહેતા. જૈન વાણિયા પરિવારની પરંપરા અનુસાર જીવન સાદું, અહિંસક અને દાનપુણ્ય પર આધારિત હતું.

Family looking at Vijaybhai's photograph.

વર્ષ ૧૯૬૦ માં વિજયભાઈ માત્ર ૪ વર્ષના હતા ત્યારે બર્મામાં સરકારની નીતિઓને કારણે ભારતીય વેપારીઓ પર કડક પગલાં લેવાયાં. હજારો ભારતીય પરિવારોને દેશનિકાલ જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો. રૂપાણી પરિવાર પણ રાજકોટ પાછો આવ્યો. આ સ્થળાંતર એક સામાન્ય વાત નહોતી. તેમ છતાં પિતા રમણીકલાલે રાજકોટમાં બેરિંગ્સનો વેપાર શરૂ કર્યો અને સાથે સામાજિક કાર્યોમાં પણ સક્રિય રહ્યા. આ પરિવારની સંઘર્ષમય વાર્તાએ વિજયભાઈના વ્યક્તિત્વમાં ઊંડી અસર કરી. તેઓ ક્યારેય વૈભવને મહત્ત્વ આપતા નહીં, સાદગીને જીવનનું મૂલ્ય માનતા.

રાજકોટમાં બાળપણ વિતાવતી વખતે વિજયભાઈ એક સામાન્ય વિદ્યાર્થી હતા. ઘરનું વાતાવરણ ધાર્મિક અને સંસ્કારી હતું. જૈન મંદિરોની મુલાકાત, ઉપવાસ, અહિંસાના પાઠ અને પિતાના સામાજિક કાર્યો તેમને પ્રભાવિત કરતા. શાળામાં તેઓ શિસ્તબદ્ધ રહેતા. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી બી.એ. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLB પૂર્ણ કર્યા પછી તેઓ વકીલાતના વ્યવસાય તરફ વળ્યા.

  • પરંતુ વિદ્યાર્થી જીવનમાં જ તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા અને RSSના કાર્યથી પ્રભાવિત થયા.
  • ૧૯૮૭ માં ભારતીય જનસંઘમાં જોડાયા અને નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ લીધો.
  • આ સમયે ઇમર્જન્સી દરમિયાન ૧૧ મહિનાની જેલ પણ ભોગવી.  

લોક આંદોલનો સાથે તે વખતે તેઓ સક્રિય રીતે જોડાયેલા હતા. ૧૯૭૬ માં ખૂબ જ નાની વયે તેમણે ભુજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા કાયદા હેઠળ જેલવાસ ભોગવ્યો હતો. એટલે કે એક આંદોલનકારી અને નેતાગીરીના ગુણો તેમનામાં પહેલેથી જ હતા.પણ અનુભવોએ તેમના અંગત વ્યક્તિત્વને મજબૂત બનાવ્યું. ધીરજ, સમર્પણ અને નમ્રતા તેમના સ્વભાવના મુખ્ય ગુણ બની ગયા.

વિજય રૂપાણી અને તેમના પત્ની કેવી રીતે પ્રેમમાં પડ્યા હતા તેની કહાણી પણ રસપ્રદ છે. વિજય રૂપાણીની જેમ તેમના પત્ની અંજલિબેન પણ પહેલેથી રાજકારણ સાથે જોડાયેલાં હતા. તેઓ જનસંઘના કાર્યકર પણ હતા. વિજયભાઇ કાર્યકર-કમ-સંઘના જૂના પ્રચારક હતા. એ સમયે એવી સિસ્ટમ હતી કે પ્રચારકો જે કોઈ ગામમાં પ્રચાર કરવા જાય ત્યાં મુખ્ય કાર્યકરના ઘરે જમવા જાય. વિજયભાઇ અમદાવાદ અવાર-નવાર પ્રચાર અર્થે જતા. અંજલિબેનના પિતા પણ સંઘના જૂના અને મુખ્ય કાર્યકર હતા. જેથી વિજયભાઈ ત્યાં અનેક વખત જમવા ગયા હતા. આ સમયગાળામાં વિજયભાઇનો અંજલિબેન સાથે પરિચય થયો. અંતે વડીલોની મંજૂરીથી વિધિવત લગ્ન કર્યા. અંજલિબેન ભાજપ મહિલા પાંખનાં સભ્ય છે.  

    

  • RSS માંથી વિજય રૂપાણી BJP માં જોડાયા અને સંગઠનના જુદા-જુદા હોદ્દા પર કામ કર્યું.
  • વર્ષ ૧૯૮૭ માં કોર્પોરેટર બન્યા પછી રાજકીય કારકિર્દી ઝડપથી આગળ વધી.
  • રાજકોટ શહેરના વિકાસમાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી હતી.
  • RMCમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા.
  • તેઓ ૧૯૮૮ થી ૧૯૯૫ દરમિયાન RMCમાં સ્ટેન્ડિંગ ચેરમેન હતા. 
  • અને વર્ષ ૧૯૯૬-૯૭ દરમિયાન તેઓ રાજકોટ શહેરના મેયર હતા.   
  • પ્રદેશ BJPમાં સંગઠનની મહત્ત્વની જવાબદારી સહિત ૩ ટર્મ તેઓ મહામંત્રી રહ્યા.
  • તેઓ ૨૦૦૬ માં ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમમાં હતા. 
  • ૨૦૦૬ થી ૨૦૧૨ સુધી તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહ્યા. 
  • ૨૦૧૩ ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન રહ્યા.
  • તેમણે સૌરાષ્ટ્ર સ્ટોક એકસચેન્જના ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી હતી.
  • પ્રથમ વિધાનસભા ચૂંટણી રાજકોટ-2 બેઠક પર જીત્યા હતા.
  • વર્ષ ૨૦૧૬ માં ૬ મહિના માટે તેઓ BJPના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા.

વિજય રૂપાણી BJP ના પ્રદેશ પ્રમુખ હતા તે સમયે રાજ્યમાં આનંદીબહેન પટેલની સરકાર હતી. પરંતુ આનંદીબહેનને આંદોલનોનું ગ્રહણ લાગ્યું. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને રાજીનામું આપી દીધુ.

આનંદીબહેનના રાજીનામા પછી મુખ્યમંત્રી કોને બનાવવા? તે સમયે નીતિન પટેલનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું હતું. કારણ કે જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારે પણ નીતિન પટેલનું નામ રેસમાં સૌથી આગળ હતું.

હવે આ વખતે તો નીતિન પટેલનું નામ નિશ્ચિત હતું. ખુદ નીતિન પટેલને પણ લાગી રહ્યું હતું કે હવે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનશે. તેમના ટેકેદારોએ તો મીઠાઈ પણ મગાવી લીધી હતી. પરંતુ પાર્ટીની બેઠક બાદ જ્યારે જ્યારે વિજય રૂપાણીના નામની જાહેરાત થઈ. જ્યારે નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રીની જવાબદારી સોંપીને મનાવી લેવાયા. 

૭ ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. અને નીતિન પટેલે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમના ઉપર ગુજરાતની સ્થિતિ સુધારવાની, વિકાસને આગળ વધારવાની અને વર્ષ ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત અપાવવાની જવાબદારી હતી. કારણ કે ચૂંટણીને એક જ વર્ષ બાકી હતું.

વર્ષ ૨૦૧૭ ની ચૂંટણીમાં જીત હાંસલ કરવી BJP માટે ખૂબ જ કપરું કામ હતું. પાટીદારોએ BJPને હરાવવાનું મન બનાવી લીધું હતું. સરકાર પાટીદારોને આશ્વાસનો આપતી રહી. પરંતુ પાટીદારોને હજુ ન્યાય નહોતો મળ્યો. એટલે પાટીદાર અનામત આંદોલનની લડત ચાલુ હતી.

આખરે ચૂંટણી આવી. BJPએ ૫૦ પાટીદારોને મેદાને ઉતાર્યા હતા. પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ કોંગ્રેસ પણ આક્રમક હતી. કોંગ્રેસ આ તક ચૂકવા નહોતી માગતી.એટલે કોંગ્રેસે પણ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીને એડીચોટીનું જોર લગાવી દીધું હતું.

આખરે ૯ અને ૧૪ ડિસેમ્બરે મતદાન થયું. ૨૦૧૭ નો ચૂંટણી જંગ રસાકસી ભર્યો હતો. કોણ જીતશે અને કોણ હારશે તેના ઉપર સૌની નજર હતી. કોંગ્રેસે તો આમાં કંઈ ગુમાવવાનું નહોતું,, પણ BJP માટે જાણે શાખની લડાઈ હતી.

  • આખરે તારીખ ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ મત ગણતરી થઈ અને ચૂંટણી પરિણામો જાહેર થયા. BJPએ માંડ-માંડ બહુમતિ હાંસલ કરી.
  • BJPને ૯૯ બેઠક મળી. જે ૨૯૧૨ કરતાં ૧૬ બેઠક ઓછી મળી હતી. ૨૦૧૨ માં BJPને ૧૧૫ બેઠક મળી હતી.
  • જ્યારે કોંગ્રેસને ૭૭ બેઠક મળી. જે ૨૦૧૨ માં ૬૧ હતી. એટલે કે કોંગ્રેસને ૧૬ બેઠક વધારે મળી.
  • આ ઉપરાંત અપક્ષને ૩, BTPને ૨  અને NCPને ૧ બેઠક મળી હતી. જ્યારે આમ આદમી પાર્ટીનું ખાતું પણ નહોતું ખુલી શક્યું.
  • આ ચૂંટણીમાં કોંગ્રેસને ૧૯૮૫ પછી ૩૨ વર્ષે આટલી વધારે સીટ મળી હતી. એટલે રૂપાણીના કાર્યકાળમાં વિપક્ષ પણ નબળો નહોતો.
  • આ ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર સ્પષ્ટપણે જોવા મળી. જોકે આવી સ્થિતિમાં જીત મેળવવી એ પણ એક મોટી સિદ્ધિ જ હતી, જેનો શ્રેય રૂપાણીને મળ્યો. અને વિજય રૂપાણીને ફરીવાર મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
  • વિજય રૂપાણીએ તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા
  • જ્યારે નીતિન પટેલે નાયબ મુખ્યમંત્રી તરીકે બીજીવખત શપથ ગ્રહણ કર્યા

વિજયભાઈનું વ્યક્તિત્વ એકદમ સરળ હતું. તેમણે પોતાના કાર્યકાળમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લીધા. અને ગુજરાતની જનતાને તેનો ફાયદો થયો. તેમના કાર્યકાળની મોટી સિદ્ધિઓ વિશે વાત કરીએ તો

  • ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં તમામ ૨૬ બેઠક પર જીત મેળવી.
  • તેમના કાર્યકાળમાં ગુજરાત દેશમાં FDI એટલે કે વિદેશી રોકાણમાં પ્રથમ સ્થાને રહ્યું હતું. 
  • વર્ષ ૨૦૨૦-૨૧ માં ૩૦.૨૩ બિલિયન ડૉલર FDI મળ્યું હતું. જે  દેશના કુલ FDIના ૩૭ % હતું.
  • તેમણે પોતાના ૫ વર્ષના કાર્યકાળ દરમયાન ૨ લાખ જેટલી સરકારી નોકરીઓ આપી હોવાનો દાવો કર્યો હતો.
  • તેમણે મુખ્ય પ્રોજેક્ટને આગળ વધાર્યા, AIIMS જેવા મોટા પ્રોજેક્ટ્સમાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું. 
  • સાથે જ ઔદ્યોગિક વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પોર્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
  • વિજય રૂપાણીના કાર્યકાળમાં અતિ મહત્ત્વનું ગણાતું લવજેહાદ વિરોધી બિલ પસાર કરાયું.
  • ગૌહત્યા અને ગૌરક્ષા સંબંધિત કાયદાઓને વધુ મજબૂત કરવામાં આવ્યા.
  • કુદરતી આપત્તિઓમાં પણ તેમની સરકારે ખૂબ જ સારું કામ કર્યું.
  • પૂરની સ્થિતિ અને વાવાઝોડામાં સરકારની કામગીરી સરાહનીય રહી હતી.
  • નમસ્તે ટ્રમ્પ જેવા મોટા કાર્યક્રમો પણ તેમની સરકારમાં સુપેરે પાર પડ્યા.

પરંતુ ત્યારબાદ આવેલા કોરોના કાળમાં સરકાર લોકોના રોષનો ભોગ બની. કોરોનાને નિયંત્રણ રાખવામાં સરકાર ઉણી ઉતરી હોવાના આરોપો લાગ્યા. કેસ પણ ઝડપથી વધ્યા અને મોતનો આંકડો પણ વધવા લાગ્યો. કોરોના કાળમાં આંકડા છૂપાવાતા હોવાનો પણ સરકાર ઉપર આરોપ લાગ્યો. આરોગ્ય તંત્રમાં સંકલનનો અભાવ ઉડીને આંખે વળગી રહ્યો હતો. એટલું જ નહીં ઘણી જગ્યાએ વ્યવસ્થાઓ બાબતે પણ સવાલ ઉઠ્યા હતા.  કારણ કે હોસ્પિટલો ઉભરાઈ ગઈ હતી. ના ખાનગી હોસ્પિટલ્સમાં જગ્યા હતી,, ના સરકારી હોસ્પિટલમાં જગ્યા હતી.

Punjab BJP Incharge Vijay Rupani appointed Maharashtra ...

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફનોનો સામનો કરવો પડી રહ્યો હતો. તે સમયે ગુજરાતમાં ઓક્સિજન સપ્લાયની અછત વર્તાઈ. અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોની હોસ્પિટલ્સમાં ઓક્સિજન સિલિન્ડર્સ ખતમ થઈ ગયા અને ઘણા પીડિતોના પરિવારોએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને મદદ માંગી. છતાં સરકાર એવો દાવો કરી રહી હતી કે સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈપણ દર્દીનું ઓક્સિજનના અભાવે મૃત્યું થયું નથી. જોકે વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. બીજી વેવમાં કેસ વધતા હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર અને ICUની અછત પડી. સરકારે ૧૧,૫૦૦ બેડ વધારાના ખોલવાની વાત કરી, પરંતુ ઓક્સિજન અને સ્ટાફના અભાવે તે શક્ય ન થયું. જોકે બીજી સારી કામગીરી પણ થઈ હતી.

Gujarat government | Gujarat Chief Minister resigns from office - Telegraph  India

  • સરકારે ગરીબો અને શ્રમિકો માટે ૬૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું.
  • કોરોનાની બીજી લહેર પછી PSA ઓક્સિજન પ્લાન્ટ્સ સ્થાપવામાં આવ્યા હતા.
  • આ ઉપરાંત સરકારે લાખો લોકને મફત રેશન અને ભોજન પૂરું પાડ્યું.
  • રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પણ ખૂબ ઝડપથી કરવામાં આવી.

રાજ્યમાં કોરોના કાળ દરમિયાન તેમની કામગીરી સામે તો સવાલ ઉઠ્યા જ હતા.  આ ઉપરાંત બીજા પણ ઘણા કારણો હતા. અને એટલે જ કદાચ તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. શું હતા આ કારણો?

In 2019, BJP will win all 26 Lok Sabha seats from Gujarat: Chief Minister Vijay  Rupani

રાજ્યમાં વિજય રૂપાણીની સરકાર ચાલી રહી હતી. પણ નીતિન પટેલ અગાઉ બે વખત મુખ્યમંત્રી બનતાં-બનતાં રહી ગયા હતા. એટલે તેમના મનમાં અસંતોષ જરૂર હતો. અને તે સમયાંતરે જાહેર પણ થતો હતો. રાજકીય જાણકારો માને છે કે વિજયભાઈ અને નીતિનભાઈના જૂથો આમને-સામને હતાં.વિજય રૂપાણીને ૨૦૧૭ ની ચૂંટણી પછી પણ યથાવત્ રખાયા તે પછી નીતિનભાઈ નારાજ ચાલી રહ્યા હતા. બંને વચ્ચેનો ખટરાગ કોરોના મહામારી દરમિયાન સપાટી પર આવી ગયો હતો.

રાજકોટના એક ઉદ્યોગપતિએ તાત્કાલિક બનાવેલા વૅન્ટિલેટરને રૂપાણીએ પ્રમોટ કર્યું હતું. ‘ધમણ’ તરીકે જાણીતું થયેલું તે વૅન્ટિલેટર તદ્દન નિષ્ફળ ગયું હતું અને ઊલટાનું તેના કારણે દર્દીઓમાં સમસ્યાઓ વધી હોવાના આક્ષેપો થયા હતા. વિષય આરોગ્ય વિભાગનો હતો, છતાં સીએમ રૂપાણીએ ‘ધમણ’ સરકારી હોસ્પિટલોમાં મુકાવ્યું હતું.  બીજી લહેરમાં પ્રજા પરેશાન હતી ત્યારે આરોગ્ય સચિવ અને વિભાગ પોતાની મરજી પ્રમાણે કામ કરતા હતા.

જાણકારો તો કહે છે કે- નીતિનભાઈને પૂછવામાં પણ નહોતું આવતું. નીતિન પટેલને જાણ ના હોય અને નિર્ણય લેવાઈ જાય તેવા કડવા અનુભવ તેમને થયા હતા. એક તરફ વિજય રૂપાણી અને નીતિન પટેલનો ખટરાગ જાહેર મંચ ઉપર જોવા મળી રહ્યો હતો. બીજી તરફ વિજય રૂપાણી સરકાર અને સંગઠન વચ્ચે પણ કોઈ તાલમેલ નહોતો. એક તરફ ગુજરાતમાં લોકો ઑક્સિજનના અભાવે મરી રહ્યા હતા. અને રેમડેસિવિર ઇન્જેક્શન મળતાં નહોતાં. આવા સમયે BJPના પ્રદેશ પ્રમુખ પાટીલ પાસે ૫,૦૦૦ ઇન્જેક્શનો ક્યાંથી આવ્યાં? આવા રોષ ભર્યા સવાલો દર્દીઓના સગા પૂછી રહ્યા હતા. તે સમયે રૂપાણીનો જવાબ હતો કે- ‘સીઆરને ખબર, સીઆરને જ પૂછજો.’  વિજય રૂપાણીએ વિવિધ પ્રસંગોએ ‘મને ખબર નથી’ એવા જવાબો આપ્યા હતા અને ત્યારપછી તો સોશિયલ મીડિયામાં ‘મને ખબર નથી’નો મજાકિયો ટ્રૅન્ડ પણ શરૂ થયો હતો. તેના મીમ્સ પણ બન્યા હતા. પાટીલ સામેની નારાજગી તેઓ ઘણી વખત આડકતરી રીતે વ્યક્ત કરી ચૂક્યા હતા. રાજકોટમાં તેમના કાર્યક્રમો હોય ત્યારે કેટલીક વખત ગેરહાજર રહેતા. સંગઠનમાંથી ફરિયાદો આવતી હતી કે અધિકારીઓ પદાધિકારીઓનું સાંભળતા નથી.

ગાંધીનગરમાં ડિસેમ્બર 2018માં ઑનલાઇન અરજીથી જમીનોના NA સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ યોજાયો તેમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે- ‘હવે તો ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. ૨૦-૨૫ વર્ષ પહેલાં આવું નહોતું, પણ હવે બધાને ખબર હોય છે કે ભ્રષ્ટાચાર ક્યાં છે. આપણે ત્યાં સૌથી વધુ વધારે બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું અને બીજા નંબર પર પોલીસ ખાતું છે.’

વાત આટલેથી જ ના અટકી. વિવાદિત નિવેદનોનો સિલસિલો ચાલતો રહ્યો. પોરબંદરના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે હવે તમારે પોલીસને પૈસા દેવા નહીં પડે. મારી સરકારે હોટલ સંચાલકોને પોલીસનું લાઈસન્સ લેવામાંથી મુક્તિ આપી છે.

તેમના કાર્યકાળ દરમિયાન ૩ પડકારો ઊભા થયા હતા. એક તરફ નીતિન પટેલનું જૂથ, રૂપાણીની રાજકોટ લોબી અને પાટિલની સુરતની લોબી સક્રિય બની હતી. આખરે ગમે તે કોઈનો ભોગ લેવાશે તે નક્કી હતું. સરકાર અને સંગઠન વચ્ચેની ખટપટમાં જુદા-જુદા કાર્યોને લઈ લોકોનો આક્રોશ પણ પરાકાષ્ઠાએ હતો. નાના-નાના આંદોલનો પણ થયા હતા. આખરે ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ. કહો કે ૨૦૨૨ ની ચૂંટણીના સવા વર્ષ પહેલા જ રૂપાણીને હટાવી દેવાયા. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચાઓ પ્રમાણે રૂપાણીની વિદાય પાછળ સીઆર પાટીલનું પ્રદેશપ્રમુખ તરીકે આગમન બહુ અગત્યનું પરિબળ બન્યું હતું. જોકે તેમાં કેટલું તથ્ય હશે તે કહેવું મુશ્કેલ છે.

Air India Plane Crash: Vijay Rupani Dead; He Was On Board Flight To London

રૂપાણીને હટાવવા પાછળ બીજા પણ ઘણા કારણો ચર્ચામાં રહ્યા હતા. કોરોનાકાળમાં કથિત ગેરવહીવટ, કથિત રીતે તંત્ર પર અંકુશનો અભાવ, ધમણ વૅન્ટિલેટરનો વિવાદ, રાજકોટ નજીક જમીનોમાં કથિત ગેરરીતિનો વિવાદ સહિતના કારણો જવાબદાર હતા. પરંતુ જનતા માટે સૌથી ચોંકાવનારી વાત એ હતી કે વિજય રૂપાણીની સાથે આખા મંત્રીમંડળે રાજીનામું આપી દીધુ હતું. સરકાર અને સંગઠનમાં કોઈ ખટરાગ ના રહે તે માટે તમામને હટાવી દેવાયા હતા. 

જોકે રાજીનામા પછી પણ વિજય રૂપાણી પાર્ટીની કામગીરીમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા રહ્યા. પંજાબ, ચંડીગઢ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ચૂંટણીલક્ષી જવાબદારીઓ અદા કરી. જેમાં તેમણે સફળતા પણ અપાવી. પરંતુ કહેવાય છે કે સારી વ્યક્તિ હોય તેને ભગવાન જલદી ઉપર બોલાવી લે છે. વિજયભાઈ સાથે પણ જે થયું તે ખૂબ જ દુઃખદ હતું. વિજય રૂપાણીનો લકી નંબર ૧૨૦૬ હતો. અને સંજોગો પણ એવા ઊભા થયા કે તેમનું અવસાન પણ ૧૨૦૬ એટલે કે ૧૨ જૂન ૨૦૨૫ ના રોજ થયું.

વિજય રૂપાણી લંડનમાં રહેતી તેમની દીકરીને મળવા જઈ રહ્યા હતા. વિજય રૂપાણીના દીકરી રાધિકા અને તેમના પતિ લંડનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેને સંતાનમાં એક દીકરો છે.  દીકરીને મળવા તેઓ એકલા જ મુસાફરી કરી રહ્યા હતા. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઈન્ડિયા ફ્લાઇટ AI-૧૭૧ ફ્લાઈટ હજુ તો ઉપડી જ હતી. અને થોડે આગળ જઈને  બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર તૂટી પડ્યું. જેમાં વિજય રૂપાણી પણ અવસાન પામ્યા.  

Who is Former Gujarat CM Vijay Rupani? Net Worth, Age, Lifestyle, Wife,  Career, Family | Who is Former Gujarat CM Vijay Rupani? Net Worth, Age,  Lifestyle, Wife, Career, Family|English Newstrack

વિજય રૂપાણીનો લકી નંબર ૧૨૦૬ હતો. તેમના વાહનોથી લઈને તમામ જગ્યાએ ૧૨૦૬ નંબર હતો. પરંતુ આ લકી નંબર તે દિવસે લાગ્યો જ નહીં. લકી નંબર પણ વિજય રૂપાણી માટે પણ અનલકી સાબિત થયો.  

વિજય રૂપાણી જાહેર જીવનમાં હતા ત્યારે તો લોકોને ખ્યાલ નહોતો પણ, તેમના અવસાન પછી તેઓ કેટલી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હતા તે જાહેર થયું. વિજય રૂપાણીએ તેમના દીકરા પુજીતના અવસાન બાદ વર્ષ ૧૯૯૪ માં પુજીત મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જેમાં સ્ટ્રીટ ચિલ્ડ્રન અને ઓપન હાઉસ પ્રોજેક્ટ,  સપ્તસુર સંગીત વિદ્યાલય,  મેડિકલ સેન્ટર, બહેનો માટે સીવણ ક્લાસ,  ઝૂંપડપટ્ટીના બાળકો માટે ફ્રીમાં શિક્ષણ, કમ્પ્યુટર શિક્ષણ અને ફિઝિયોથેરાપી સેન્ટર જેવી કામગીરી ચાલે છે. વિજય રૂપાણી અહીં અવાર-નવાર આવતા હતા. તેમને ટ્રસ્ટના દરેક લોકો સાથે વિશેષ લગાવ હતો.

વિજય રૂપાણીની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હતી. અને એટલે જ તેમના આ પ્રકારે થયેલા અવસાનથી લોકોને ખૂબ આઘાત લાગ્યો. એ દિવસ અને એ ઘડી કોઈના મનમાંથી વિસરાય તેવી નથી. પરંતુ સમયની ગતિ સાથે દરેકે આગળ વધતા રહેવું પડે છે. વિજય રૂપાણીના રાજીનામા પછી આખરે રાજ્યને નવા મુખ્યમંત્રી મળ્યા. 

Former CM Vijay Rupani's prayer meet held in Gandhinagar: Wife, son offer  floral tributes; CM Bhupendra Patel & other state leaders attend ceremony

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *