૫ ઓગસ્ટથી હવામાન બદલાશે, ૮ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન હળવાથી ભારે વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ૫ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તાપી નદીના જળસ્તર, ખેડૂતો માટે કૃષિ સલાહ અને વરસાદની આગાહી જાણો.

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના આગામી દિવસોના હવામાન અંગે આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે અને ખાસ કરીને ૫ ઓગસ્ટથી હવામાનમાં નોંધપાત્ર પલટો આવવાની શક્યતા છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ 8 થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ શકે તેવી સંભાવના છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વરસાદની અસરને કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને અને સંબંધિત તંત્રને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ખેડૂતો માટે પણ તેમણે ખાસ સૂચનો આપ્યા છે. વરસાદી વાતાવરણને કારણે પાકમાં જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા હોવાથી પાક સંરક્ષણ માટે સમયસર જરૂરી પગલાં લેવા તેમણે અપીલ કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આશ્લેષા નક્ષત્ર દરમિયાન કૃષિ કાર્યો કરવાનું અનુકૂળ માનવામાં આવતું નથી. જ્યારે ૧૨ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ફરી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. તેમના જણાવ્યા મુજબ ૧૭ ઓગસ્ટ પછી શરૂ થતું મઘા નક્ષત્રનું પાણી કૃષિ માટે લાભદાયક ગણાય છે.
