ભારત હવે ચીનથી માત્ર એક ડગલું દૂર

એશિયાની સૌથી ઝડપથી ઉભરતી કંપનીઓમાં ભારતની પકડ વધુ મજબૂત બની રહી છે. ફોર્બ્સ એશિયા (Forbes Asia) ની પ્રતિષ્ઠિત ‘Best Under A Billion 2026’ યાદીમાં એશિયા-પ્રશાંત ક્ષેત્રની ૨૦૦ શ્રેષ્ઠ નાની અને મધ્યમ કદની લિસ્ટેડ કંપનીઓમાં ભારતની ૨૭ કંપનીઓએ સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ૨૮ કંપનીઓ સાથે ચીન પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત બીજા ક્રમે છે. વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય કંપનીઓએ પોતાના શ્રેષ્ઠ નાણાકીય પ્રદર્શનથી આ સફળતા મેળવી છે.
આ વર્ષની યાદી દર્શાવે છે કે એશિયાનો આર્થિક વિકાસ હવે નવી ટેકનોલોજી આધારિત સેક્ટર્સ તરફ વધી રહ્યો છે. પસંદ થયેલી કંપનીઓમાં ૨૫ % હિસ્સો AI, સોફ્ટવેર, સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ સાથે જોડાયેલી કંપનીઓનો છે. આ સિવાય ડેટા સેન્ટર, ઈલેક્ટ્રિક વ્હીકલ, રિન્યુએબલ એનર્જી અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કંપનીઓએ પણ આ યાદીમાં મેળવેલું સ્થાન ભવિષ્યની ટેકનોલોજી તરફ રોકાણકારોના વધતા ઝુકાવને દર્શાવે છે.

ભારતની ૨૭ કંપનીઓનું સ્થાન એ વાતની સાબિતી છે કે ભારતની સ્મોલ-કેપ અને મિડ-કેપ કંપનીઓ હવે માત્ર દેશી માર્કેટ સુધી સીમિત નથી રહી પરંતુ ગ્લોબલ લેવલે પણ મજબૂત પ્રદર્શન કરી રહી છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને સ્પેશિયાલિટી કેમિકલ્સ જેવા સેક્ટર્સમાં ભારતીય કંપનીઓની ક્ષમતા સતત વધી રહી છે, જે ભવિષ્યમાં ભારતનો દબદબો વધુ વધારશે.

દેશોની વાત કરીએ તો ૨૮ કંપનીઓ સાથે ચીન પહેલા નંબરે છે અને ભારત ૨૭ કંપનીઓ સાથે બીજા નંબરે છે. આ સિવાય મલેશિયાની ૧૯ કંપનીઓએ પણ AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કારણે આ યાદીમાં જગ્યા બનાવી છે. આ વર્ષની ૨૦૦ કંપનીઓમાંથી ૬૦ કંપનીઓ એવી છે જેમણે સતત બીજા વર્ષે આ યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

Forbes Asia એ એશિયા-પ્રશાંત ક્ષેત્રની ૧૯,૦૦૦ થી વધુ કંપનીઓમાંથી પસંદગી કરી છે. જેમાં ૧ કરોડ ડોલરથી ૧ અબજ ડોલર સુધીનું વાર્ષિક વેચાણ ધરાવતી કંપનીઓને જ સામેલ કરવામાં આવી હતી. કંપનીના દેવાના સ્તર, સેલ્સ ગ્રોથ, પ્રતિ શેર કમાણી (EPS) અને રિટર્ન ઓન ઈક્વિટી (ROE) જેવા નાણાકીય આંકડાઓની ઝીણવટભરી તપાસ બાદ જ આ યાદી તૈયાર કરવામાં આવી છે.
ફોર્બ્સની આ યાદી દર્શાવે છે કે ભારતીય કંપનીઓ હવે વૈશ્વિક સ્તરે ગુણવત્તા, નવીનતા અને નાણાકીય શિસ્તના દમ પર પોતાની ઓળખ બનાવી રહી છે. ચીનથી માત્ર ૧ કંપની પાછળ રહેવું એ સ્પષ્ટ કરે છે કે એશિયાના નવા ગ્રોથ એન્જિન તરીકે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે.
