દેશના એક રાજ્યમાં સૌથી પહેલાં વિદ્યાર્થીઓની સાથે અન્યાય કરવામાં આવ્યો, વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવ્યો તો તેમના પર અત્યાચાર કરવામાં આવ્યા. આમ છતાં આ દેશના કહેવાતા માનવાધિકાર કાર્યકર્તાઓ, વારંવાર ડ્રામા કરનારા કેટલાક અભિનેતાઓ અને વિદ્યાર્થીઓના તારણહારનું મહોરું પહેરનારા નેતાઓના પેટનું પાણી પણ હલ્યું નથી.

ઝારખંડ માં સરકારી નોકરીઓ માટેની ભરતી પરીક્ષામાં અનેક ગરબડો સામે આવી છે. વાત માત્ર પેપર લીક પૂરતી નથી. પેપર લીકમાં તો ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોનું કામ હોય છે. એમાં સરકારની સંડોવણી હોતી નથી. આ રાજ્યમાં તો ખુલ્લેઆમ સરકારી નોકરીઓનો વેપાર થઈ રહ્યો છે, મેરિટ અને મહેનતને બાજુ પર મૂકીને સરકારી નોકરીઓની બોલી બોલાઈ રહી છે. પોતાના ભવિષ્યને હરાજી થતું જોઈને આ રાજ્યના ભણેલા-ગણેલા યુવાનો રસ્તા પર ઊતરવા મજબૂર થયા છે. આ યુવાનો ગેરરીતિની આ સડેલી સિસ્ટમ સામે છેલ્લા ૧૭ દિવસથી રાજ્ય સરકાર સામે આરપારનો મોરચો માંડીને બેઠા છે. આ રાજ્યમાં ‘મોરચા’ સરકારનું જ શાસન છે, જ્યાં ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડી ભેગા મળીને સરકાર ચલાવી રહ્યા છે.

રાંચીમાં રવિવારે સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે ૫ કલાક સુધી ત્રીજા તબક્કાની વાતચીત ચાલી, પરંતુ એનું કોઈ પરિણામ ના આવ્યું. એક બાજુ સરકાર દાવો કરી રહી છે કે, વિદ્યાર્થીઓની ૯૮ % માગણીઓ માની લેવામાં આવી છે. બીજી બાજુ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સરકાર આખા રાજ્યને ગેરમાર્ગે દોરી રહી છે. વાટાઘાટોનો ફિયાસ્કો થતાં જ યુવાનોનો આક્રોશ બેકાબૂ બન્યો છે. તેમણે નક્કી કર્યું કે, સંવાદના નામે માત્ર નાટક જ ચલાવવું હોય તો હવે જવાબ પણ એ જ ભાષામાં મળશે. તેમણે સોમવારે વિધાનસભાને ઘેરી લેવા માટે કૂચનું એલાન કરી દીધું હતું.

રાંચીમાં વિધાનસભા સુધી વિદ્યાર્થીઓને કૂચને રોકવા માટે રાજ્ય સરકારે પૂરી તૈયારી કરી લીધી હતી. કાંટાળા તારવાળા બેરિકેડ લગાવવામાં આવ્યા. વિધાનસભાને ચારે તરફથી છ લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. વિધાનસભાને એક રીતે કિલ્લો બનાવી દેવામાં આવી હતી. જોકે, કાંટાળા તાર વિદ્યાર્થીઓને રોકી ના શક્યો. ૯ દિવસથી ભૂખ હડતાળ પર બેસેલા દેવેન્દ્રનાથ મહતો પણ આ કૂચમાં સામેલ થયા હતા. દેવેન્દ્રનાથ સિવાય છ વિદ્યાર્થીઓ પણ ભૂખ હડતાળ પર છે.

ભૂખ હડતાળના કારણે દેવેન્દ્રનાથનું શરીર ખૂબ જ અશક્ત છે. તેઓ ચાલવાની સ્થિતિમાં નહોતા. આવી સ્થિતિમાં તેઓ આવ્યા તો વિદ્યાર્થીઓએ તેમને પોતાના ખભા પર બેસાડ્યા. પુષ્પોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એ સમયે તેમણે ત્રિરંગો લહેરાવ્યો હતો.

આ વિદ્યાર્થીઓ જ્યારે વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે ઝારખંડની પોલીસે તેમની સહનશક્તિની પરીક્ષા લીધી હતી. તેમના પર વોટરકેનનનો મારો ચલાવ્યો હતો. એટલે કે, પાણીનો જોરદાર પ્રવાહથી હુમલો કર્યો હતો. જોકે, જે આંખોથી આંસુ નહીં પણ આક્રોશની આગ હોય, તેઓ કંઈ થોડા પાણીના પ્રવાહથી રોકાય. વિદ્યાર્થીઓ આગળ વધતા રહ્યા. કેટલીક જગ્યાઓ તો વિદ્યાર્થીઓ પાણીમાં ડાન્સ કરવા લાગ્યા હતા. તેઓ પોલીસને કહેવા લાગ્યા કે, ઔર ચલાઓ. વિદ્યાર્થીઓને રડાવવા માટે પોલીસે તેમના પર ટિયર ગેસનો મારો ચલાવ્યો હતો.

વિધાનસભાની સુરક્ષામાં સાત બેરિકેડિંગ હોય છે. પોલીસના અત્યાચાર વચ્ચે વિદ્યાર્થીઓ છ બેરિકેડિંગ તોડીને આગળ વધ્યા. છેલ્લી બેરિકેડિંગ તોડવામાં આવી ત્યારે પોલીસ લાઠી લઈને વિદ્યાર્થીઓ પર તૂટી પડી હતી. લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. અત્યારે વિધાનસભાના ગેટની પાસે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. અહીં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ છે. વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. તેઓ પોતાની માગણીઓને લઈને ટસના મસ થવા તૈયાર નથી. મૂળ વાત ત્યાં અટકી છે કે, વિદ્યાર્થીઓ કેટલીક પરીક્ષાઓને રદ કરવાની માગણી કરી રહ્યા છે. એ સિવાય તેઓ સીબીઆઈ તપાસની પણ માગણી કરી રહ્યા છે. આ બંને માગણીઓ સ્વીકારવા માટે રાજ્ય સરકાર તૈયાર જ નથી.

ઝારખંડમાં વિદ્યાર્થીઓના આ આંદોલનનો મુખ્ય ચહેરો દેવેન્દ્રનાથ જ છે. પાંચમી જુલાઈએ તેમણે જ આ જંગની શરૂઆત કરી હતી. એ દિવસે ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનની ૧૪ મી સિવિલ સર્વિસિસ પ્રિલિમ્સનું પરિણામ આવ્યું હતું. હકીકતમાં એ પરિણામ નહોતું, પણ ખુલ્લેઆમ થયેલી ગરબડ અને કૌભાંડ હતું. આ બધી જ ગરબડ બધાની સામે ખુલ્લી પડી ગઈ અને સરકાર તમાશો જોતી રહી. દેવેન્દ્ર નાથે ચોખ્ખું કહી દીધું કે આ અન્યાયી સિસ્ટમ સામે ભૂખ હડતાળ સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો બચ્યો. હવે, સવાલ એ થાય કે, કોણ છે આ દેવેન્દ્ર નાથ? રાંચી જિલ્લાના સાવ છેવાડાના એક ગામથી તેણે ભણતર શરૂ કર્યું હતું. ગરીબી, અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓ અને સતત સંઘર્ષો સામે ઝીંક ઝીલીને તેણે બબ્બે વિષયોમાં ફર્સ્ટ ક્લાસ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ અને બી.એડ. ની ડિગ્રી મેળવી છે. મૂળે દેવેન્દ્રનાથ વિદ્યાર્થીઓ માટે લડાઈ લડે છે. ૨૦૧૫ થી જ તેઓ સ્કોલરશિપ, પેપરલીક અને ભરતી પરીક્ષાઓમાં ગરબડો સામે અવાજ ઉઠાવે છે. તેમની તાજેતરની લડાઈ વખતે તેમણે પોતાની સગી માતાને ગુમાવ્યા. એમ છતાં તેઓ વિદ્યાર્થીઓના હકની લડાઈમાંથી એક ડગલું પણ પાછા ન હટ્યા.

એ સમજવા જેવું છે કે, દેવેન્દ્ર નાથ સાથે આજે હજારો વિદ્યાર્થીઓ કેમ જોડાયા છે. એનું કારણ એ છે કે ઝારખંડની આ ગઠબંધન સરકાર સામે દરેક યુવાનના દિલમાં ગુસ્સાનો જ્વાળામુખી ફાટી રહ્યો છે. અહીં પેપર લીક થવા તો હવે સાવ સામાન્ય વાત બની ગઈ છે, પણ એનાથીય આગળ વધીને અહીં તો સરકારી નોકરીઓની ખુલ્લેઆમ હરાજી થઈ રહી છે. શાકભાજી મંડીની જેમ નોકરીઓના પણ ભાવ નક્કી થઈ ગયા છે. ડીએસપી ની પોસ્ટ જોઈતી હોય તો ૧.૨૦ કરોડ, ફોરેસ્ટ રેન્જર માટે ૮૦ લાખ રૂપિયા, શિક્ષક બનવા માટે ૩૦ લાખ રૂપિયા, કલેક્ટર કે તાલુકા કક્ષાના મોટા અધિકારીઓ અને સચિવાલયના ઉચ્ચ હોદ્દાઓ માટે ૬૦ થી ૮૦ લાખ રૂપિયા ખુલ્લેઆમ માગવામાં આવી રહ્યા છે. દલાલો તો બિન્દાસ્ત રસ્તા પર ફરી રહ્યા છે, ફોન કરીને ઓફરો આપે છે કે “રોકડા પૈસા ટેબલ પર મૂકો, નોકરી પાકી! તમારી ઉત્તરવહી પણ અમે જ સેટ કરી આપીશું!” અહીં ગજબ જાદૂ થઈ રહ્યો છે. સાવ ઓછું મેરિટ ધરાવનારાઓ પાસ થઈ જાય છે. તેમને નોકરી મળી જાય છે. આ બધું કંઈ છાનુછપનું નથી થતું. બલકે, બધાની નજર હેઠળ થાય છે. સોશિયલ મીડિયા પર એના પુરાવા ફરતા થાય છે. રાજ્યની મોટી સિવિલ સર્વિસિસ પરીક્ષાઓ હોય, વહીવટી સેવાઓની ભરતી હોય, એન્જિનિયરિંગની ભરતી હોય, મહિલા સુપરવાઇઝર, ખાદ્ય સુરક્ષા અધિકારી કે પછી પોલીસ સિપાહીની ભરતી હોય, દર વર્ષે એ જ નાટક કરવામાં આવે છે. પેપર લીક થાય, યુવાનો રસ્તા પર આવે, પરીક્ષા રદ થાય, ફરીથી લેવાય, પાછી લીક થાય, મામલો કોર્ટમાં અટવાય અને તપાસના નામે ખાલી સરકાર સમય બગાડે. એટલે ભ્રષ્ટ સિસ્ટમ સામેનો આ આક્રોશ હવે રોકાવાનો નથી.





આ આખી ધાંધલધમાલમાં સૌથી મોટો માર ઝારખંડના મહેનતુ યુવાનો પર પડી રહ્યો છે. પરીક્ષાઓની રાહ જોવામાં અને આંદોલનો કરવામાં તેમની ઉંમર વીતી રહી છે. કટ-ઓફ માર્ક્સ લાવવા છતાં, આ લાચાર અને ભ્રષ્ટ સિસ્ટમની નિષ્ફળતાના કારણે તેઓ સ્પર્ધામાંથી જ બહાર ફેંકાઈ રહ્યા છે. રાજ્યમાં ૧.૬ લાખ જેટલી સરકારી જગ્યાઓ ખાલી પડી છે, પણ આ સડેલી સરકારની નિયત જ નથી કે કોઈ પ્રામાણિક યુવાનને નોકરી મળે. જેની પાસે બ્લેકના રૂપિયા છે, તેઓ પૈસા ફેંકીને નોકરી ખરીદી લે છે, અને જે દિવસ-રાત એક કરીને પરસેવો પાડે છે એ બિચારો લાઈનમાં જ ઊભો રહે છે. તમે કલ્પના કરો કે, યુવાનોને નેપાળ સુધી લઈ જઈને રાતોરાત પેપર ગોખાવનારી આખી ગેંગ ચાલે છે અને કરોડોનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. સીઆઈડી એ થોડાક દલાલોની ધરપકડ કરીને સંતોષ માની લીધો, પણ યુવાનોને હવે આ સ્થાનિક તપાસ પર જરાય ભરોસો નથી. તેમની એક જ સ્પષ્ટ અને મક્કમ માગણી છે કે આ આખી સડી ચૂકેલી સિસ્ટમની સીબીઆઈ તપાસ થવી જોઈએ અથવા તો હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ.

અત્યારે આવી સ્થિતિના લીધે જ ઝારખંડના યુવાનો રોષે ભરાયા છે. જોકે, તેઓ અત્યાર સુધી સંયમમાં જ રહ્યા છે. તેમના હાથમાં ત્રિરંગો જોવા મળે છે. તેમના હોઠે ભારત માતા કી જયનો નારો છે. આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે, જંતર મંતર પર આંદોલન કરી રહેલા કોકરોચ જનતા પાર્ટીને સપોર્ટ આપનારાઓ કેમ ઝારખંડના આ યુવાનોને સપોર્ટ આપવા તૈયાર નથી ? આજના જેન-ઝીએ વિચાર કરવો જોઈએ.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
