રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ૨ વિકેટ ઝડપી ૩૫૦ વિકેટ પુરી કરી. રવિન્દ્ર જાડેજા સિવાય અત્યાર સુધી વિશ્વમાં માત્ર ત્રણ જ ખેલાડીઓ ૪૦૦૦ પ્લસ ટેસ્ટ રન અને ૩૫૦ વિકેટની ડબલ્સ સિદ્ધિ મેળવી છે. તેમાં એક નામ ભારતીય દિગ્ગજ કપિલ દેવનું પણ છે
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ૨ વિકેટ ઝડપીને ઇતિહાસ રચ્યો છે. તેણે શ્રીલંકા સામે કેશરા નુવંતાને આઉટ કરીને તેની ૯૦ મી ટેસ્ટ મેચમાં તેની ૩૫૦ મી ટેસ્ટ વિકેટ ઝડપી હતી. તે ભારત માટે ૩૫૦ ટેસ્ટ વિકેટ ઝડપનાર પાંચમો બોલર બન્યો છે. આ સિવાય તે ૪,૦૦૦ થી વધુ રન અને ૩૫૦ વિકેટ સાથે લેનાર દુનિયાના ખાસ ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આવી સિદ્ધિ મેળવનાર તે ફક્ત ચોથો ઓલરાઉન્ડર બન્યો છે.

જાડેજા સિવાય અત્યાર સુધી વિશ્વમાં માત્ર ત્રણ જ ખેલાડીઓ ૪૦૦૦ પ્લસ ટેસ્ટ રન અને ૩૫૦ વિકેટની ડબલ્સ સિદ્ધિ મેળવી છે. તેમાં એક નામ ભારતીય દિગ્ગજ કપિલ દેવનું પણ છે. જોકે કપિલ દેવ પેસ ઓલરાઉન્ડર હતા, પણ ભારત માટે કોઈ સ્પિન ઓલરાઉન્ડર આવું કરી શક્યો નથી. કપિલ સિવાય ઇયાન બોથમ અને ડેનિયલ વિટ્ટોરી પણ આ યાદીમાં સામેલ છે. હવે જાડેજા આ યાદીમાં ચોથો ખેલાડી બન્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં ૪૦૦૦ + રન અને ૩૫૦ વિકેટ ઝડપનારા ખેલાડીઓ
કપિલ દેવ : ૫૨૪૮ રન, ૪૩૪ વિકેટ

ઇયાન બોથમ : ૫૨૦૦ રન, ૩૮૩ વિકેટ

ડેનિયલ વેટ્ટોરી : ૪૫૩૧ રન, ૩૬૨ વિકેટ
રવિન્દ્ર જાડેજા : ૪૧૦૮ રન, ૩૫૦ વિકેટ
ભારતના સ્પિન ઓલરાઉન્ડર્સનો રેકોર્ડ

અનિલ કુંબલે: ૨૫૦૬ રન, ૬૧૯ વિકેટ

રવિચંદ્રન અશ્વિન : ૩૫૦૩ રન, ૫૩૭ વિકેટ
હરભજન સિંહ : ૨૨૨૫ રન, ૪૧૭ વિકેટ

રવિન્દ્ર જાડેજા : ૪૧૦૮ રન, ૩૫૦ વિકેટ

ગાલે ટેસ્ટમાં શ્રીલંકા ૨૮૪ રનમાં ઓલઆઉટ

ગાલે ટેસ્ટની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા ૪૬૨ રન બનાવ્યા હતા. દેવદત્ત પડિકલે ૧૬૭ રનની શાનદાર ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે ૮૨ અને ધ્રુવ જુરેલે ૫૧ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી પ્રભાત જયસૂર્યાએ ચાર વિકેટ અને કેસરા નુવંતાએ ત્રણ વિકેટ લીધી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમ ૭૯.૪ ઓવરમાં ૨૮૪ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી માનવ સુથારે ૪ અને રવિન્દ્ર જાડેજાએ ૩ વિકેટ ઝડપી હતી.


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
