અમદાવાદમાં ₹.૩.૧૫ લાખની લાંચ લેતા કથિત પત્રકાર દંપતીને એસીબી એ ઝડપી પાડ્યા

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ ન તોડાવવા એએમસી ના નામે રૂ. ૩.૧૫ લાખની લાંચ લેતા બે કથિત પત્રકારોને એસીબી એ રંગેહાથ ઝડપ્યા.

ahmedabad-acb-bribe-trap-fake-journalists-arrest

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની ધમકી આપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ના અધિકારીઓના નામે લાંચ માંગનાર નવજીવન ક્રાઇમ અધિકાર ન્યુઝના બે કથિત પત્રકારો સામે એન્ટિ કપ્શન બ્યુરો (એસીબી) એ મોટી કાર્યવાહી કરી છે. આણંદ એસીબીની ટીમે સોનીની ચાલી ચાર રસ્તા ખાતે છટકું ગોઠવી ₹.૩,૧૫,૦૦૦ ની રોકડ રકમ સાથે બંને આરોપીઓને તેમની વેગનઆર ગાડીમાંથી ઝડપી પાડ્યા છે.

કથિત પત્રકારોનો તોડબાજીનો ખેલ

આરોપી શિલ્પાબેન આહિર અને વિજયભાઇ આહિરે બાંધકામ ન તોડાવવા માટે એ.એમ.સી. અધિકારીઓના નામે રૂ. ૩ લાખ અને પોતાના રૂ. ૨૫ હજાર મળી કુલ રૂ. ૩,૨૫,૦૦૦ ની માંગણી કરી હતી. જે બાદ અગાઉ રૂ. ૧૦ હજાર મેળવ્યા બાદ બાકીના રૂ. ૩,૧૫,૦૦૦ સ્વીકારતી વખતે આણંદ એસીબી પીઆઈ આર.એન. વિરાણી અને ટીમે બંને આરોપીઓને રંગેહાથ પકડી લીધા હતા.

આ આરોપીઓ ઝડપાયા

શિલ્પાબેન વા/ઓ વિજયભાઇ આહિર, નવ જીવન ક્રાઇમ અધિકાર ન્યુઝ, રહે. ૨૦, રામકૃષ્ણ સોસાયટી, નિકોલ ગામ રોડ, ઉત્તમનગરની બાજુમાં, અમદાવાદ શહેર.   
 વિજયભાઇ ડાહયાભાઇ આહીર, નવ જીવન ક્રાઇમ અધિકાર ન્યુઝ, રહે. ૨૦, રામકૃષ્ણ સોસાયટી, નિકોલ ગામ રોડ, ઉત્તમનગરની બાજુમાં, અમદાવાદ શહેર.

એસીબી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ફરીયાદીએ પોતાના મકાન અને દુકાનના ઉપરના ભાગે પ્રથમ માળે પતરાની છત દૂર કરી સ્લેપ ભરી પાકુ બાંધકામ કર્યું હતું. આ બાંધકામના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર વિકાસ ખાતુ પુર્વ ઝોન તરફથી ફરીયાદીની માતાના નામે બીન પરવાનગીનુ બાંધકામ કેમ દુર નથી કર્યું તે બાબતેની બે નોટીસો મળી હતી. આ બાબતે આરોપીએ ફરીયાદીનો સંપર્ક કરી ઘરના પ્રથમ માળનુ નવુ બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી.

આ સાથે જ આરોપીએ નવુ બાંધકામ નહી તોડાવવા માટે એએમસીના અધિકારીઓના રૂ. ૩ લાખ અને પોતાના ૨૫ હજારની લાંચની માંગણી કરી હતી. જે પૈકી ૧૦ હજાર આરોપીએ ફરીયાદી પાસેથી લઇ લીધા હતા અને બાકીના રૂ. ૩,૧૫,૦૦૦ આજે આપવાનો વાયદો કર્યો હતો. જેને લેવા આવતા આરોપીઓને લાંચનુ છટકુ ગોઠવી એસીબીની ટીમે બંનેને ઝડપી પાડયા હતા.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *