ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સક્રિય લો-પ્રેશર સિસ્ટમ તથા મોન્સૂન ટ્રફની અસરથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે.
છૂટાછવાયા વરસાદી ઝાપટાં
ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.

વરસાદનું જોર વધવાની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ૨૩ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટાં પડી શકે છે.તેમની આગાહી મુજબ ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી વરસાદની ગતિવિધિ વધી શકે છે. ૬ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંની શક્યતા છે. નવી હવામાન સિસ્ટમો સક્રિય થતાં આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી ચોમાસું જોર પકડે તેવી શક્યતા છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
