નકલી દૂધથી લઈને નકલી મરચાં અને દવા સુધી! શું ખાઈ-પી રહ્યા છો તમે?
![]()
શું તમે સ્વાદના શોખીન છો? શું તમને ઘીનો શીરો- સુખડી ખૂબ ભાવે છે? શું તમે દૂધપાક ખાવાના શોખીન છો? શું તમને હાઈવે પરની હોટલમાં ચા પીવાનો શોખ છે? શું તમને લાલચોળ મરચાવાળું તીખું તમતમાટ ખાવાનો શોખ છે? તો આ અહેવાલ તમારા માટે છે. કારણ કે આ તમામ સ્વાદના ચટાકા તમને ભારે પડી શકે છે.

તમારા ઘરની તપેલીમાં રહેલું દૂધ હોય, ડોલચામાં ભરેલું ઘી હોય કે પછી મસાલિયામાં રહેલું મરચું હોય,તમને એવું લાગતું હશે કે આ બધુ અસલી છે, પણ હકીકતમાં તપાસ કરો તો કદાચ નકલી પણ નીકળશે. કારણ કે નકલીનો સ્વાદ હવે લોકોની ચીભે ચડી ગયો છે. પ્યોર છે, શુદ્ધ છે, ચોખ્ખુ છે. આવું કહીને તમને જે ખાણીપીણીની વસ્તુઓ પધરાવી દેવાય છે, તે હકીકતમાં નકલી હોય છે. અને તે તમારા આયુષ્યને અડધું કરી નાખવા માટે કાફી હોય છે. અમે તમારા સ્વાદના દુશ્મન નથી. તમારા ભાવતા ભોજનથી અમને કોઈ જ વાંધો નથી, કે અમારો ઉદ્દેશ તમને ડરાવવાનો પણ નથી. પરંતુ જે હકીકત છે તે અમે તમારી સમક્ષ દર્શાવી રહ્યા છીએ.

જામનગરના કાલાવડ તાલુકાના હરીપર ગામમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધના કારોબાર સામે રાજકોટ રેન્જની ટીમે મોટી કાર્યવાહી કરી છે. શંકાસ્પદ દૂધના ૬ ધંધાર્થીઓના ઘર અને નજીકની ડેરીઓમાં દરોડા પાડવામાં આવ્યા. જ્યાંથી આશરે ૭,૧૫૦ લિટર શંકાસ્પદ દૂધ, ૧૨૦ કિલો વનસ્પતી ઘી અને ૧૫ કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો છે. ફૂડ વિભાગે તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે. પરંતુ આ દૂધ જામનગરના કાલાવડ અને આસપાસના ગામડાઓથી શહેરો અને હાઈવેની હોટેલ્સ પર પહોંચતું હતું. એટલે જો તમે હાઈવે પરની હોટલોમાંથી ચા પણ પીતા હોવ તો તે નકલી દૂધની હોઈ શકે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે બાળકોને દૂધ પણ આપવું જોઈએ નહીં. કારણ કે આજકાલ જે છૂટક દૂધ મળી રહ્યું છે તે પીવાલાયક જ નથી હોતું. સવાલ થાય કે- સતત સામે આવતી આ પ્રકારની ઘટનાઓ બાદ તો હવે લોકોએ ચા-દૂધ પીવાનું ખરેખર બંધ કરવું પડશે કે શું?

ચલો,, એક સમયે તમે ચા-દૂધ બંધ કરી દેશો. પણ દાળ-શાક ખાવાનું બંધ કરી શકશો? ચટાકેદાર વડાપાવ અને દાબેલી ખાવાનું બંધ કરી શકશો? આ સવાલ એટલા માટે ઉઠે કારણ કે માર્કેટમાં મરચું પણ નકલી મળે છે. ડીસા GIDCમાં ફૂડ વિભાગે નકલી મરચાનો જથ્થો ઝડપી પાડ્યો છે. મરચું પાવડરના નામે ઘઉંનું ભૂસું અને ધાણા પાવડરનું મિશ્રણ કરીને અંદર કૃત્રિમ રંગ નાખવામાં આવતા હતા. ફૂડ વિભાગે આવો ૩ હજાર ૫૭૧ કિલો જથ્થો જપ્ત કર્યો છે.. અને અલગ-અલગ ૯ નમૂના તપાસ માટે મોકલી આપ્યા છે. જ્યારે ૨ હજાર ૫૦૦ કિલો મરચાનો નાશ કરવામાં આવ્યો છે.
અને આ બધુ નકલી ખાધા પછી જો બીમાર પડો તો તમે ક્યાં જાઓ? સ્વાભાવિક રીતે જ દવાખાને જાઓ. અને દવાખાને જાઓ એટલે તમને દવા પણ નકલી મળે. અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ થતું હોવાની શંકાના આધારે છેલ્લા અઠવાડિયામાં ૩૦ થી વધુ મેડિકલ સ્ટોર્સ અને એજન્સીઓમાં તપાસ કરવામાં આવી છે. અને લાખો રૂપિયાની નકલી દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

તમે વિચારો કે આપણે કેવા સમયમાં જીવી રહ્યા છીએ. જ્યાં લોકોને ખાદ્યપદાર્થો પણ નકલી મળી રહ્યા છે. લોકોને છેતરવાનું અને લોકોના જીવ સાથે રમત કરવાનું આ નેટવર્ક પણ કેટલું સરળતાથી ચાલે છે? ચોંકાવનારી વાત એ છે કે આ બાબતે તંત્ર પણ મોડે-મોડે જાગે છે. જાણે ફક્ત કાગળ પર કામગીરી દર્શાવવા માટે જ આ કાર્યવાહી થાય છે. પછી સમયાંતરે જો દરેક જગ્યાએ ચેકિંગ કરવામાં આવે તો મોટાભાગના ખાદ્યપદાર્થો નકલી ઝડપાઈ શકે તેમ છે. પરંતુ આવી કાર્યવાહીઓ મહિનામાં માંડ એકાદ-બે વખત જોવા મળે છે. સવાલ એ છે કે ક્યાં સુધી ઈરાદાપૂર્વક તમારા જીવ સાથે ચેડા થતા રહેશે?

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
