મંદિરમાં ભાજપ નેતાની દીકરીએ પોલીસકર્મીને લાફો ઝીંક્યો

કર્ણાટકના તુમકુરુ ગ્રામીણ ક્ષેત્રના ભાજપ ધારાસભ્ય બી. સુરેશ ગૌડાની પુત્રી ઐશ્વર્યાનો એક હાઇપ્રોફાઇલ વિવાદ સામે આવ્યો છે. શ્રીરંગપટના સ્થિત આરતી ઉક્કડ મંદિરમાં ભીમા અમાવસ્યાના ઉત્સવ દરમિયાન દર્શન કરવા પહોંચેલી ઐશ્વર્યાએ ફરજ પર તૈનાત મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સવિતા બી. પાટીલ સાથે ગેરવર્તણૂક કરી હતી. લાઇન વિના સીધા ગર્ભગૃહમાં જવાની કોશિશ કરતી વખતે પોલીસે રોકતાં તીખી બહસ થઈ હતી. સમગ્ર ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ધારાસભ્યની પુત્રી મહિલા પોલીસ અધિકારીને તમાચો મારતી નજરે પડે છે. આ ઘટના ૧૨ ઓગસ્ટના રોજ સાંજે ૦૪:૩૦ વાગ્યા આસપાસ બનેલી હોવાનું સામે આવ્યું છે.

વાઇરલ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બોલાચાલી દરમિયાન ઐશ્વર્યા પોતાના ફોનથી કોલ કરવાનો પ્રયાસ કરે છે અને અચાનક મહિલા SI સવિતાને થપ્પડ મારી દે છે, જેના જવાબમાં મહિલા અધિકારી પણ સામો પ્રહાર કરે છે. આ ઘટના બાદ મહિલા અધિકારીએ ક્યાથનહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધારાસભ્યની પુત્રી સામે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની સંબંધિત કલમો હેઠળ સરકારી કર્મચારી પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી અને ગુનાહિત કૃત્ય બદલ એફઆઈઆર દાખલ કરી છે. સામે પક્ષે ઐશ્વર્યાએ પણ મહિલા અધિકારી વિરુદ્ધ ગાળાગાળી કરવાનો આક્ષેપ મૂકી વળતી ફરિયાદ નોંધાવી છે.
![]()

