

શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવ, હર્ષોલ્લાસ અને ઉમંગભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાવન પર્વને અનુલક્ષીને સમગ્ર શાળા પરિસર કૃષ્ણમય બની ગયું હતું અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે શાળાના પ્રમુખ ડૉ. મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે શ્રી દિનેશભાઈ જયંતિલાલ જોષી, વરિષ્ઠ પત્રકાર (દિવ્ય ભાસ્કર) તથા અતિથિ વિશેષ તરીકે શ્રી હિતેષભાઈ દવે, સંસ્કૃત શિક્ષક (દીવાનબલ્લુ સ્કૂલ) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી વિનયભાઈ ત્રિવેદી અને શ્રી સોનલબેન પટેલની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું.

કાર્યક્રમના સુચારુ આયોજન, માર્ગદર્શન અને સમગ્ર ઉજવણીને આકાર આપવામાં ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી વેદાંગભાઈ રાજ્યગુરુની વિશિષ્ટ ભૂમિકા રહી હતી. તેમના સચોટ આયોજન, સતત માર્ગદર્શન અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહનના પરિણામે જન્માષ્ટમીની ઉજવણીને સાંસ્કૃતિક અને શૈક્ષણિક બંને રીતે વિશેષ બનાવવામાં આવી હતી. તેમણે વિદ્યાર્થીઓને કાર્યક્રમની તૈયારીથી લઈને વિવિધ રજૂઆતો સુધી સતત માર્ગદર્શન આપી તેમની પ્રતિભાને યોગ્ય દિશા આપી હતી.

આ પ્રસંગે અંગ્રેજી માધ્યમના આચાર્યા શ્રીમતી જયશ્રીબેન જાની પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય મહેમાન શ્રી દિનેશભાઈ જયંતિલાલ જોષીએ પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી મળતા સંદેશાઓને જીવનમાં ઉતારવા પ્રેરણા આપી હતી. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી આપણે સંયમ રાખવો, પરિસ્થિતિ ગમે તેવી હોય છતાં ધૈર્ય જાળવવું અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનું શીખવું જોઈએ.” તેમના આ પ્રેરણાદાયી સંદેશથી વિદ્યાર્થીઓને જીવનમૂલ્યો અને સંસ્કારો અંગે સુંદર માર્ગદર્શન મળ્યું હતું.

વિદ્યાર્થીઓ દ્વારા રાધા-કૃષ્ણના મનમોહક વેશ, કૃષ્ણભક્તિના ગીતો પર આકર્ષક નૃત્ય, મટકી ફોડ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની કલાત્મક રજૂઆતો, અભિનય અને ઉત્સાહે ઉપસ્થિત મહેમાનો તથા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન સમગ્ર શાળા પરિસર તાળીઓના ગડગડાટ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું.

જન્માષ્ટમીની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે આદર, સંસ્કારમૂલ્યો, સહકારની ભાવના તથા સર્જનાત્મક અભિવ્યક્તિ વિકસે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. તહેવારની ઉજવણીને શિક્ષણ સાથે સાંકળીને વિદ્યાર્થીઓને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને શ્રીકૃષ્ણના જીવનમૂલ્યોનો પરિચય કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આમ, શ્રી વેદાંગભાઈ રાજ્યગુરુના અસરકારક માર્ગદર્શન અને સુવ્યવસ્થિત આયોજનથી જન્માષ્ટમી મહોત્સવ ભક્તિ, સંસ્કાર અને આનંદનો અનોખો સંગમ બની રહ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
