સોશિયલ મીડિયા પર વાયરલ અહેવાલો અંગે ઇસરોએ સ્પષ્ટતા કરી અફવાઓ ફગાવી

ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં થઈ રહેલા સુધારા અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ની ભવિષ્યની ભૂમિકાને લઈને એક વર્ગમાં કેટલાક અહેવાલો સામે આવ્યા છે. આ અહેવાલોમાં ઇસરો ના ખાનગીકરણ અથવા તેની ભૂમિકા ઘટાડવામાં આવી રહી હોવા અંગે અટકળો અને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.

આ અંગે સોશિયલ મીડિયા પર (X) ઇસરો દ્વારા જ તે અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આવા તમામ દાવા સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે. ઇસરો નું ન તો ખાનગીકરણ કરવામાં આવશે અને ન તો તેનું મહત્ત્વ ઘટાડવામાં આવશે.

ઇસરો ભારતની અદ્યતન અંતરિક્ષ સંશોધન અને ટેક્નોલોજી વિકાસ, રાષ્ટ્રીય અને વ્યૂહાત્મક મિશન, અંતરિક્ષ વિજ્ઞાન અને સંશોધન તેમજ મહત્ત્વપૂર્ણ અને અદ્યતન અંતરિક્ષ ક્ષમતાઓ માટે દેશની મુખ્ય સંસ્થા તરીકે પોતાની ભૂમિકા નિભાવતું રહેશે.

ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી ઇસરો ની ભૂમિકા નહીં ઘટે
અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીનો ઉદ્દેશ ઇસરો ની ભૂમિકા ઘટાડવાનો નથી. તેનો હેતુ એવો છે કે ઇસરો ભારતના અંતરિક્ષ કાર્યક્રમની આગામી પેઢીની ટેક્નોલોજી અને મિશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે, જ્યારે ઉદ્યોગ પરિપક્વ ટેક્નોલોજી અને ક્ષમતાઓને મોટા પાયે વિકસાવી શકે. અર્થાત્, બદલાવ ઇસરો ના મહત્ત્વમાં નહીં, પરંતુ ભારતના સમગ્ર અંતરિક્ષ ઇકોસિસ્ટમના કદ અને માળખામાં થઈ રહ્યો છે.
![]()
ઇસરો ના નેતૃત્વ હેઠળ વિકસશે અંતરિક્ષ ક્ષેત્ર
૨૦૨૦ થી શરૂ થયેલા અંતરિક્ષ ક્ષેત્રના સુધારા, ભારતીય અવકાશ નીતિ ૨૦૨૩ અને એફડીઆઈ નીતિના તબક્કાવાર ઉદારીકરણનો મુખ્ય હેતુ ભારતના અંતરિક્ષ ક્ષેત્રને વધુ મોટું, મજબૂત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે.
આ સુધારાઓ હેઠળ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓને અંતરિક્ષ ક્ષેત્રની સમગ્ર વેલ્યુ ચેઇનમાં ભાગ લેવાની તક આપવામાં આવી રહી છે. આ સંસ્થાઓ ઇસરો ની ક્ષમતાઓને પૂરક બનાવીને તેને વધુ મજબૂત કરશે.
તેથી આ સુધારાઓને ઇસરો ના ખાનગીકરણ તરીકે નહીં, પરંતુ અંતરિક્ષ ક્ષેત્રના વિસ્તરણ અને ક્ષમતાઓના ગુણાકાર તરીકે જોવામાં આવે છે.
ભારતની ઔદ્યોગિક અને ટેક્નોલોજીકલ ક્ષમતાઓમાં વધારો થતાં પરિપક્વ અને મોટા પાયે કરી શકાય તેવી પ્રવૃત્તિઓ હવે ભારતીય ઉદ્યોગો દ્વારા હાથ ધરવામાં આવી શકે છે.
ઇસરો દ્વારા અત્યાર સુધીમાં અનેક ટેક્નોલોજી ઉદ્યોગોને ટ્રાન્સફર કરવામાં આવી છે. જોકે, કોઈ પરિપક્વ ટેક્નોલોજી ઉદ્યોગને સોંપવાનો અર્થ એ નથી કે ઇસરો તે ક્ષેત્રમાંથી બહાર નીકળી રહ્યું છે.
આ પ્રક્રિયાથી મોટા પાયે ઉત્પાદન, વ્યાવસાયિકીકરણ, નવીનતા અને વૈશ્વિક બજારો સુધી પહોંચને પ્રોત્સાહન મળશે. સાથે જ ઇસરો ના વૈજ્ઞાનિકો અને ટેક્નિકલ નિષ્ણાતો અદ્યતન સંશોધન, આગામી પેઢીની ટેક્નોલોજી અને જટિલ રાષ્ટ્રીય મિશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ રીતે ભારતનું અંતરિક્ષ ક્ષેત્ર “ઇસરો ના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય અંતરિક્ષ ઇકોસિસ્ટમ” તરફ આગળ વધી રહ્યું છે.

ઇસરો નું ધ્યાન હવે વધુ અદ્યતન ટેક્નોલોજી પર રહેશે
આગામી સમયમાં ઇસરો ની ભૂમિકા એવા ક્ષેત્રોમાં વધુ મજબૂત બનશે, જ્યાં તેની વૈજ્ઞાનિક નિષ્ણાતી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. આમાં અદ્યતન સંશોધન અને વિકાસ, અત્યાધુનિક ટેક્નોલોજી, માનવ અંતરિક્ષ યાત્રા, આગામી પેઢીની લોન્ચ સિસ્ટમ્સ, ડીપ-સ્પેસ અને ગ્રહોના મિશન તેમજ દેશની વ્યૂહાત્મક અંતરિક્ષ ક્ષમતાઓનો સમાવેશ થાય છે.
ઇસરો સંચાર, નેવિગેશન અને પૃથ્વી નિરીક્ષણ માટેના અદ્યતન પેલોડ્સ, સેન્સર્સ, પ્રોપલ્શન સિસ્ટમ્સ અને અન્ય મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજી સહિતની અત્યાધુનિક ટેક્નોલોજી વિકસાવવાનું ચાલુ રાખશે.
બીજી તરફ, પરિપક્વ અને નિયમિત રીતે ઉત્પાદિત થતી સિસ્ટમ્સનું મોટા પાયે ઉત્પાદન ઉદ્યોગો અથવા જાહેર ક્ષેત્રની કંપનીઓ (PSUs) દ્વારા યોગ્ય સ્પર્ધાત્મક પ્રક્રિયા મારફતે કરવામાં આવી શકે છે.
પરિપક્વ લોન્ચ વ્હીકલ, નિયમિત સેટેલાઇટ અને અન્ય સ્થાપિત સિસ્ટમ્સનું ઉત્પાદન ઉદ્યોગોને સોંપવાથી ઇસરો પોતાના વધુ સંસાધનો અને વૈજ્ઞાનિક માનવબળને આગામી પેઢીની ટેક્નોલોજી અને જટિલ મિશન પર કેન્દ્રિત કરી શકશે.
સાથે જ, દેશના વિસ્તરી રહેલા અંતરિક્ષ કાર્યક્રમ માટે જરૂરી રોકાણ, ઉત્પાદન ક્ષમતા અને મોટા પાયે કામગીરીની જરૂરિયાતને સમગ્ર અંતરિક્ષ ઇકોસિસ્ટમ પૂર્ણ કરશે.
અંતે, સ્પષ્ટ છે કે અંતરિક્ષ ક્ષેત્રના સુધારાનો હેતુ ઇસરો ને નબળું બનાવવાનો નહીં, પરંતુ ઇસરો ના નેતૃત્વ હેઠળ ભારતના સમગ્ર અંતરિક્ષ ક્ષેત્રને વધુ મજબૂત અને વિસ્તૃત કરવાનો છે.
આ પરિવર્તન સ્પેસ વિઝન ૨૦૪૭ના સંદર્ભમાં ખાસ મહત્ત્વપૂર્ણ છે. ભારતની મહત્વાકાંક્ષાઓમાં ૨૦૩૫ સુધીમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવું, ૨૦૪૦ સુધીમાં ભારતીય અંતરિક્ષયાત્રીને ચંદ્ર પર મોકલવાનું માનવ મિશન હાથ ધરવું, નવી પેઢીની અને પુનઃઉપયોગી લોન્ચ સિસ્ટમ્સ વિકસાવવી, ચંદ્ર અને ગ્રહોના સતત સંશોધનને આગળ વધારવું તેમજ ભારતને વિશ્વની મોટી અંતરિક્ષ શક્તિ તરીકે સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે.
આ તમામ મિશન અત્યંત પડકારજનક અને ટેક્નોલોજીકલી જટિલ છે. આ માટે ISROએ અદ્યતન સંશોધન અને એવી ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે, જેને માત્ર વ્યાવસાયિક પ્રવૃત્તિઓથી બદલી શકાય નહીં.
તેથી ઉદ્દેશ્ય એ છે કે ઉદ્યોગોને પરિપક્વ ટેક્નોલોજી અને ક્ષમતાઓને મોટા પાયે વિકસાવવાની તક મળે, જ્યારે ઇસરો ભારતને નવી ટેક્નોલોજીકલ સીમાઓ સુધી લઈ જવા માટે અદ્યતન સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરે.

અંતરિક્ષ ક્ષેત્રની દરેક સંસ્થાની અલગ ભૂમિકા
નવી સંસ્થાકીય વ્યવસ્થામાં અંતરિક્ષ ક્ષેત્ર સાથે જોડાયેલા દરેક ભાગને ચોક્કસ ભૂમિકા આપવામાં આવી છે.
- અંતરિક્ષ વિભાગ (અવકાશ વિભાગ): સમગ્ર અંતરિક્ષ ક્ષેત્ર માટે નીતિ અને દિશા નક્કી કરશે.
- ઇસરો: અદ્યતન સંશોધન અને વિકાસ, ટેક્નોલોજી વિકાસ અને રાષ્ટ્રીય મિશન માટે મુખ્ય સંસ્થા તરીકે કાર્ય કરશે.
- IN-SPACe: બિન-સરકારી સંસ્થાઓની અંતરિક્ષ ક્ષેત્રમાં ભાગીદારીને સરળ બનાવશે અને તેને મંજૂરી આપશે.
- એનએસઆઈએલ: પરિપક્વ ટેક્નોલોજી અને ક્ષમતાઓના વ્યાવસાયિકીકરણ તેમજ ઉદ્યોગ આધારિત ઉપયોગની જવાબદારી સંભાળશે.
- ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ: રોકાણ, નવીનતા, ઉત્પાદન ક્ષમતા અને વૈશ્વિક બજાર સુધી પહોંચમાં યોગદાન આપશે.
સાથે જ, દેશના મહત્ત્વપૂર્ણ અંતરિક્ષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યૂહાત્મક ક્ષમતાઓની માલિકી અને નિયંત્રણ સરકાર પાસે જ રહેશે.
જ્યાં યોગ્ય હશે ત્યાં ખાનગી ક્ષેત્રને અંતરિક્ષ ક્ષેત્રની કામગીરી અને સેવાઓમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, આ ભાગીદારી રાષ્ટ્રીય સુરક્ષા, સલામતી અને અન્ય નિયમનકારી આવશ્યકતાઓને આધીન રહેશે.
વ્યૂહાત્મક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ક્ષમતાઓનું સંચાલન સુરક્ષા, સલામતી, ગુણવત્તા અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

ભારતની સમગ્ર અંતરિક્ષ ક્ષમતાને મજબૂત બનાવવાનો પ્રયાસ
૨૦૨૦ માં શરૂ થયેલા અંતરિક્ષ ક્ષેત્રના સુધારાઓનું એક મોટું પરિણામ આજે વિકસેલું સક્રિય ખાનગી અંતરિક્ષ ક્ષેત્ર છે.
૨૦૨૦ માં ભારતમાં માત્ર ગણતરીના અંતરિક્ષ સ્ટાર્ટઅપ્સ હતા. આજે દેશમાં ૪૫૦ થી વધુ અંતરિક્ષ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. આ સ્ટાર્ટઅપ્સ લોન્ચ વ્હીકલ, સેટેલાઇટ, પ્રોપલ્શન, ગ્રાઉન્ડ સિસ્ટમ્સ, પૃથ્વી નિરીક્ષણ, સંચાર અને અંતરિક્ષ એપ્લિકેશન્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે.
આનાથી વધારાનું રોકાણ, ઉદ્યોગસાહસિક પ્રતિભા અને ટેક્નોલોજીકલ નવીનતા આવી છે. સાથે જ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સ માટે રોજગારીની તકો ઊભી થઈ છે અને ભારતની સમગ્ર અંતરિક્ષ ક્ષમતા વધુ મજબૂત બની છે.
હાલમાં ભારતની અંતરિક્ષ અર્થવ્યવસ્થાનું કદ અંદાજે ૮.૪ અબજ ડોલર છે. જોકે, ઝડપથી વિસ્તરી રહેલી વૈશ્વિક અંતરિક્ષ અર્થવ્યવસ્થામાં ભારતનો હિસ્સો હજુ પ્રમાણમાં નાનો છે.
ભારતનો લક્ષ્યાંક ૨૦૩૩ સુધીમાં વૈશ્વિક અંતરિક્ષ બજારમાં પોતાનો હિસ્સો વધારીને ૪૪ અબજ ડોલર કરવાનો છે.
આટલું મોટું લક્ષ્ય માત્ર સરકારી સંસાધનો અને ઇસરો ના માનવબળથી હાંસલ કરી શકાય તેમ નથી. તેના માટે ખાનગી મૂડી, ઔદ્યોગિક ક્ષમતા, ઉદ્યોગસાહસિકતા અને વૈશ્વિક બજાર સુધી પહોંચ જરૂરી છે.
મજબૂત ભારતીય અંતરિક્ષ ઉદ્યોગ ઇસરો ની ક્ષમતાઓમાં વધારો કરી શકે છે, દેશની સપ્લાય ચેઇનને મજબૂત બનાવી શકે છે, પ્રતિભા અને રોકાણ આકર્ષી શકે છે, ઉત્પાદન અને સ્પર્ધાત્મકતા વધારી શકે છે અને વૈશ્વિક અંતરિક્ષ અર્થવ્યવસ્થામાં ભારતનો હિસ્સો વધારવામાં મદદ કરી શકે છે.

કેન્દ્રમાં વધુ મજબૂત ઇસરો
અંતરિક્ષ ક્ષેત્રના સુધારાઓની સફળતાનું અંતિમ મૂલ્યાંકન ભારતની કુલ અંતરિક્ષ ક્ષમતાના વિકાસના આધારે થવું જોઈએ.
ઇસરો ભારતના અંતરિક્ષ કાર્યક્રમના કેન્દ્રમાં યથાવત્ રહેશે અને અદ્યતન સંશોધન, વ્યૂહાત્મક ક્ષમતાઓ, માનવ અંતરિક્ષ યાત્રા, નવી પેઢીની લોન્ચ ટેક્નોલોજી, ભારતીય અંતરિક્ષ સ્ટેશન તેમજ ચંદ્ર અને ગ્રહોના સંશોધન જેવા રાષ્ટ્રીય પ્રયાસોનું નેતૃત્વ કરશે.
બીજી તરફ, ભારતનું વિસ્તૃત અંતરિક્ષ ઇકોસિસ્ટમ દેશના સ્પેસ વિઝન ૨૦૪૭ ને સાકાર કરવા માટે જરૂરી મોટા પાયાની ક્ષમતા પૂરી પાડશે.
અર્થાત્, ખાનગી ક્ષેત્રના વિસ્તરણનો હેતુ ઇસરો ને પાછળ ધકેલવાનો નહીં, પરંતુ ઇસરો ને વધુ મજબૂત બનાવીને સમગ્ર ભારતીય અંતરિક્ષ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાનો છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
