પીએમઓ નું નકલી આઈડી ધરાવતો યુવક ગનમેન સાથે ઝડપાયો

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. એક શંકાસ્પદ વ્યક્તિએ પોતાને વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)નો અધિકારી ગણાવ્યો હતો.
તપાસ દરમિયાન તેની પાસેથી પીએમઓ કાર્યાલયનું નકલી ઓળખપત્ર પણ મળી આવ્યું હતું. જ્યારે સુરક્ષા તપાસ કરવામાં આવી ત્યારે ઓળખપત્ર નકલી હોવાનું માલૂમ પડ્યું હતું. માહિતી અનુસાર, બીજા શંકાસ્પદ વ્યક્તિ પાસે બંદૂક પણ હતી.
આ મામલે ક્રાઇમ બ્રાંચ આગળની તપાસ કરી રહી છે. આ લોકો નકલી ઓળખપત્ર અને હથિયાર સાથે કેમ આવ્યા હતા તે હેતુ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં બંનેને મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

