‘ધો.૬ ના વિદ્યાર્થીઓ પર અચાનક બોજ ન નાખો, આગામી વર્ષથી નિયમ લાગુ કરો’

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) સ્કૂલોમાં થ્રી-લેંગ્વેજ પોલિસી લાગુ કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરાઈ હતી. અદાલતે સ્પષ્ટ વલણ અપનાવતા જણાવ્યું કે ધોરણ ૬ ના વિદ્યાર્થીઓ પર અચાનક ત્રીજી ભાષાનો બોજ નાખવાને બદલે આ નિયમ આગામી વર્ષથી અમલમાં લાવવો જોઈએ, જેથી બાળકોને માનસિક રીતે તૈયાર થવા માટે પૂરતો સમય મળી શકે.

કેન્દ્ર તરફથી એએસજી એ દલીલ કરી હતી કે, ધોરણ ૭ થી ૧૦ ના વિદ્યાર્થીઓને આ નીતિ હેઠળ પહેલાથી જ છૂટછાટ અપાઈ ચૂકી છે, જ્યારે ધોરણ 6ના બાળકોએ ૪ વર્ષ બાદ બોર્ડ પરીક્ષા આપવાની હોવાથી તેમને અત્યારથી તૈયાર કરવા જરૂરી છે.
આ દલીલ સામે જસ્ટિસ બાગચીએ સવાલ ઉઠાવ્યો હતો કે, આ એક રાષ્ટ્રીય નીતિ હોવાથી તેમાં ચોક્કસ સંસ્થાગત માળખું કામ કરે છે; તેથી જો ધોરણ ૭ થી ૧૦ ના વિદ્યાર્થીઓને મુક્તિ મળી શકતી હોય, તો પછી ધોરણ ૬ ના બાળકોને આ રાહત કેમ ન આપી શકાય? જોકે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, જો હાલ ધોરણ ૬ માં ભણતા વિદ્યાર્થીઓ પોતાની મરજીથી આ જ વર્ષે ત્રણ ભાષાઓ ભણવા માંગતા હોય, તો તેમને તેની મંજૂરી આપી શકાય છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) હેઠળ સ્કૂલોમાં ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ સહિત કુલ ત્રણ ભાષાઓ શીખવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મિડલ સ્કૂલ સ્તરે અચાનક આ નિયમ લાગુ કરી દેવાથી બાળકો પર બિનજરૂરી ભણતરનું દબાણ વધતું હોવાની ચિંતા વાલીઓ વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ ૨૭ મેના રોજ સુપ્રીમ કોર્ટે આ નીતિને પડકારતી અરજી પર કેન્દ્ર, સીબીએસઈ અને એનસીઇઆરટી ને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો.

બોર્ડના પરિપત્ર અનુસાર, ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ માટે ૧ જુલાઈથી ૩ ભાષાઓ ભણવી ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો છે, જે પૈકી ઓછામાં ઓછી ૨ ભારતીય ભાષાઓ હોવી અનિવાર્ય છે. ભારતીય ભાષાઓની યાદીમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, પંજાબી, ઓડિયા અને અસમિયા જેવી ભાષાઓ સામેલ છે. બીજી તરફ અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, અરબી અને સ્પેનિશને બિન-ભારતીય ભાષાઓ ગણવામાં આવી છે. ધોરણ ૬ માટે બે ભારતીય ભાષાઓ ફરજિયાત રાખવામાં આવી છે, જ્યારે ધોરણ ૭, ૮ અને ૯ ના એવા વિદ્યાર્થીઓને થોડી છૂટછાટ અપાઈ છે જેઓ અગાઉ બે બિન-ભારતીય ભાષાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટ હવે કમિટીના રિપોર્ટ અને વિગતવાર નોટના અભ્યાસ બાદ આગળનો નિર્ણય કરશે.
હેપી બર્થ ડે મોદીજી


કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
