ડેન્ગ્યુની વેક્સિન આવતા વર્ષે મળશે ડોઝ

ભારતમાં દર વર્ષે ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો જોવા મળે છે, પરંતુ હવે આ જીવલેણ બીમારી સામે દેશવાસીઓને મોટી રાહત મળવાની આશા બંધાઈ છે. ભારતમાં આવતા વર્ષની શરૂઆતના ૬ મહિનામાં ડેન્ગ્યુની પહેલી રસી બજારમાં આવી શકે છે. જાપાનની દવા કંપની તાકેદાની રસી ‘ક્યુડેન્ગા’ને ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) તરફથી વેચાણ માટેની મંજૂરી મળી ગઈ છે. દેશભરમાં આ રસી ઉપલબ્ધ કરાવવા માટે જાપાનીઝ કંપનીએ ભારતની પ્રખ્યાત ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ સાથે કરાર કર્યો છે.

આ રસી ૪ થી ૬૦ વર્ષની વયજૂથના લોકો માટે મંજૂર કરવામાં આવી છે. આ રસીના બે ડોઝ આપવામાં આવશે, જેમાં બંને ડોઝ વચ્ચે ૩ મહિનાનું અંતર રાખવું પડશે. અગાઉ ડેન્ગ્યુ થઈ ચૂક્યો હોય તેવા દર્દીઓ પણ આ રસી મૂકાવી શકશે. ડેન્ગ્યુ વાયરસના ૪ અલગ-અલગ સ્ટ્રેઇન હોય છે, જેથી એક વખત ચેપ લાગ્યા પછી પણ બીજા સ્ટ્રેઇનનો ખતરો યથાવત્ રહે છે. આ રસીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ચારેય પ્રકારના સ્ટ્રેઇન સામે રક્ષણ પૂરું પાડે છે.
ડેન્ગ્યુ એડિસ મચ્છરના કરડવાથી ફેલાતી એક ગંભીર વાયરલ બીમારી છે, જેના કારણે દર વર્ષે સેંકડો દર્દીઓ ગંભીર સ્થિતિમાં મૂકાય છે અને ઘણા લોકો જીવ પણ ગુમાવે છે. આ નવી રસી આવવાથી દર્દીઓમાં ડેન્ગ્યુના ગંભીર લક્ષણો ઘટી જશે અને હૉસ્પિટલમાં દાખલ થવાની કે મૃત્યુ પામવાની શક્યતામાં મોટો ઘટાડો થશે.
![]()
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઘણા વર્ષોના લાંબા સંશોધન અને કસોટીઓ બાદ આ રસીને ભારતમાં મંજૂરી મળી છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે રસી ઉપલબ્ધ થયા પછી પણ મચ્છરોથી બચવું અને ઘરની આસપાસ સફાઈ રાખવી એટલી જ જરૂરી રહેશે, કારણ કે સાવચેતી જ આ રોગને અટકાવવાનો મૂળ પાયો છે.


ભારતમાં ડેન્ગ્યુના કેસ અને તેનાથી થતા મૃત્યુના આંકડા દર્શાવે છે કે, વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ દરમિયાન દેશમાં આ બીમારીનો ભારે પ્રકોપ રહ્યો છે.

-
વર્ષ ૨૦૨૧ માં ૧,૯૩,૨૪૫ કેસ, ૩૪૬ દર્દીઓના મોત
-
વર્ષ ૨૦૨૨ માં ૨,૩૩,૩૫૧ કેસ, ૩૦૩ ના મોત થયા
-
વર્ષ ૨૦૨૩ માં ૨,૮૯,૨૩૫ કેસ, ૪૮૫ લોકોએ જીવ ગુમાવ્યો
-
વર્ષ ૨૦૨૪ માં ૨,૩૩,૫૧૯ કેસ, ૨૯૭ લોકોના મોત
-
વર્ષ ૨૦૨૫ માં ૧,૨૧,૮૨૪ કેસ, મૃત્યુઆંક ૧૩૧
-
વર્ષ ૨૦૨૫ માં ૬,૯૨૭ કેસ, ૧૦ ના મોત (૨૮ ફેબ્રુઆરી સુધી)
-
કુલ ૧,૦૭૮,૧૦૧ કેસ, ૧૫૭૨ દર્દીઓના મોત

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
