ઇરાન સાથેનું યુદ્ધ હવે સતત અમેરિકા પર ભારે પડી રહ્યું છે. દેશમાં ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે, અને મોંઘવારીનો ભય વધી રહ્યો છે, જે ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતામાં વધારો કરી રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઇરાન અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, અમેરિકા વેનેઝુએલાની જેમ ઇરાનમાં પણ હાજરી જાળવી રાખવા અને તેલના ખજાના પર કબજો રાખવાનો નિર્ણય કરી શકે છે. પરંતુ ટ્રમ્પની આ તેલની રમત હવે તેમના માટે જ મોટી મુશ્કેલીનું કારણ બની રહી છે. ઇરાન યુદ્ધના કારણે વણસેલી પરિસ્થિતિ વચ્ચે અમેરિકામાં ડીઝલના ભાવ નવા ઓલ-ટાઇમ હાઇ લેવલે પહોંચી ગયા છે. વિતેલા એક જ સપ્તાહમાં યુએસ ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જે દેશમાં મોંઘવારીનું જોખમ વધારી રહ્યો છે.

ઇરાન સાથેના યુદ્ધ અને હોર્મુઝ સંકટે અમેરિકાની સ્થિતિ કફોડી કરી દીધી છે. અમેરિકન ઓટોમોબાઇલ એસોસિએશન (એએએ) મુજબ, ૧૯ સપ્ટેમ્બરના રોજ ડીઝલની રાષ્ટ્રીય સરેરાશ કિંમત ૬.૪૮૬૬ ડોલર પ્રતિ ગેલન પર પહોંચી ગઈ હતી, જેણે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એક સપ્તાહ પહેલા આ કિંમત ૬.૧૬ ડોલર હતી. આનો અર્થ એ થયો કે માત્ર એક જ અઠવાડિયામાં ડીઝલમાં લગભગ ૩૩ સેન્ટ્સ અથવા ૫.૩ % નો વધારો નોંધાયો છે.

એએએ ના આંકડા દર્શાવે છે કે, તાજેતરના વધારા પછી ડીઝલની કિંમત એક વર્ષ પહેલાંની સરખામણીએ (જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ૩.૭૧ ડોલર હતી) હવે લગભગ ૭૫ % વધુ મોંઘી થઈ ગઈ છે. અમેરિકા અને ઇઝરાયલે ૨૮ ફેબ્રુઆરીના રોજ ઇરાન પર પ્રથમ હુમલો કર્યો હતો, અને ત્યારબાદ જેમ-જેમ યુદ્ધ વધતું ગયું, તેમ-તેમ ડીઝલના ભાવ ટ્રમ્પની ટેન્શન વધારતા ગયા.

યુએસ-ઇરાન યુદ્ધ શરૂ થવાના ઠીક પહેલા એટલે કે ૨૭ ફેબ્રુઆરીએ ડીઝલ ૩.૭૫ ડોલર પ્રતિ ગેલન હતું, જે ૧૯ સપ્ટેમ્બરે વધીને રેકોર્ડ ૬.૪૯ ડોલર થઈ ગયું. આનો અર્થ એ છે કે, અમેરિકાનો સામાન્ય ગ્રાહક હોર્મુઝ સંકટ પહેલાની સરખામણીએ હવે પ્રતિ ગેલન લગભગ ૭૩ % વધુ ચૂકવણી કરવા મજબૂર છે. કેલિફોર્નિયા અમેરિકાનું સૌથી મોંઘું ફ્યુઅલ માર્કેટ બની ગયું છે, જ્યાં ડીઝલની સરેરાશ કિંમત ૮.૪૧૬૧ ડોલર પ્રતિ ગેલન છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા લગભગ ૨ ડોલર વધુ છે.
અમેરિકામાં ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચવાથી ગ્રાહકો, ટ્રક ચાલકો, ખેડૂતો અને વેપારીઓ પર દબાણ વધ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આસપાસના સંકટે ગ્લોબલ ફ્યુઅલ સપ્લાયને અસર કરી છે. વિશ્વની તેલ જરૂરિયાતના ૨૦ % હિસ્સા માટે જવાબદાર આ દરિયાઈ માર્ગ ઇરાને બંધ કરી દીધો છે, જેના કારણે ગ્લોબલ ઓઇલ-ગેસ સપ્લાયનો પાંચમો ભાગ ઠપ થઈ ગયો છે. માર્ચના અહેવાલો મુજબ, યુદ્ધના કારણે મિડલ ઈસ્ટના ૮ પ્રમુખ ઉત્પાદક દેશોમાંથી તેલ નિકાસ ફેબ્રુઆરીના સ્તરથી ઓછામાં ઓછી ૬૦ % ઘટી ગઈ હતી.
વૈશ્વિક તેલ સંકટ વચ્ચે અમેરિકા અન્ય દેશો માટે રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો સપ્લાયર બન્યો, પરંતુ ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ મુજબ તેના કારણે અમેરિકાના સ્થાનિક ડીઝલ સ્ટોક પર વધારાનું દબાણ પડ્યું છે. યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે, ડીઝલના ભાવ હવે માત્ર ક્રૂડ ઓઇલ પર નિર્ભર નથી, પરંતુ રિફાઇનિંગ માર્જિન, ડિસ્ટ્રિબ્યુશન કોસ્ટ અને ટેક્સ પર પણ આધાર રાખે છે.
ડીઝલનો ઉપયોગ અમેરિકામાં મોટા ટ્રકો, ટ્રેનો, કૃષિ મશીનરી અને માછીમારીની બોટો સહિત માલ-સામાનની હેરફેર (ફ્રેઇટ નેટવર્ક) માટે થાય છે. આ જ કારણ છે કે, ડીઝલ સંકટનો સીધો પ્રભાવ અર્થતંત્ર પર પડે છે. ડીઝલના ભાવ વધવાથી ભાડાં, કૃષિ પડતર, ખાદ્ય ચીજોના ભાવ અને ઔદ્યોગિક ખર્ચ વધી જાય છે, જે અંતે ગ્રાહકો પર મોંઘવારીનો બોજ વધારે છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
