અમદાવાદ: જે મકાન ૫ મહિનાથી બંધ હતું તેને જ ચોરે ટાર્ગેટ બનાવ્યું

અમદાવાદમાં બંધ મકાનોને નિશાન બનાવતો રીઢો ઘરફોડ ચોર ઝડપાયો છે. સોલા હાઇકોર્ટ પોલીસે ૧૦.૭૦ લાખ રુપિયાના સોના-ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી છે.
સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર આરોપીને પોલીસે બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે બગોદરા ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ સુનિલ ઉર્ફે ખાંડિયા પરમાર તરીકે થઈ છે. આરોપી મૂળ જામનગરનો રહેવાસી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ જામનગરમાં ઘરફોડ ચોરીના 2 ગુના નોંધાયેલા છે. જામનગરમાં જેલની સજા ભોગવ્યા બાદ આરોપી અમદાવાદ આવ્યો હતો અને અહીં ચોરીઓ શરૂ કરી હતી. આરોપી ખાસ કરીને શહેરમાં બંધ પડેલા મકાનોને ટાર્ગેટ કરીને ચોરી કરતો હતો.
૧૪ સપ્ટેમ્બરના રોજ ભાડજના રબારી વાસમાં આવેલા એક બંધ મકાનમાં ચોરી થઈ હતી. મકાનમાલિક ગફુરભાઈ દેસાઈનું આ મકાન કૌટુંબિક કારણોસર છેલ્લા ૫ મહિનાથી બંધ હતું. તસ્કરે મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ૧૫ તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી.
મકાનમાલિકે સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીએ ચોરી કર્યા બાદ તમામ દાગીના ઓગણજ ખાતે આવેલા પોતાના ઝૂંપડા પાસે જમીનમાં ખાડો ખોદીને દાટી દીધા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે આરોપીને સાથે રાખીને જમીનમાં દાટેલા સોના-ચાંદીના તમામ દાગીના બહાર કઢાવ્યા હતા. પોલીસે સ્થળ પરથી આશરે ૧૦.૭૦ લાખ રુપિયાની કિંમતના સોના-ચાંદીના ચોરાયેલા દાગીના રિકવર કરી કબજે લીધા છે. સોલા પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવા વધુ તપાસ શરૂ કરી છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
