૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી એક અત્યંત દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. યમુના એક્સપ્રેસવે પર દોડતી એક સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં ક્ષણભરમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ૯ મુસાફરોના મોત નીપજ્યા છે, જ્યારે કેટલાક મુસાફરોએ ચાલુ બસમાંથી નીચે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ બસમાં આશરે ૪૦ થી ૫૦ જેટલા મુસાફરો સવાર હતા.

આ ભયાનક ઘટના યમુના એક્સપ્રેસવેના ઝીરો પોઇન્ટથી આશરે ૩૨ કિલોમીટર આગળ બની હતી, જે વિસ્તાર જેવર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. જોઇન્ટ સીપી રાજીવ નારાયણ મિશ્રાએ જણાવ્યું હતું કે, બસમાં આગ લાગતાં જ મુસાફરોમાં ભારે નાસભાગ મચી હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે બસમાંથી બહાર કૂદવા લાગ્યા હતા. જોતજોતામાં આગની જ્વાળાઓએ આખી બસને પોતાની ઝપેટમાં લીધી અને ૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.





