ડમ્પર પાછળ ધડાકાભેર કાર ઘૂસી જતાં ૪ લોકોના મોત

સુરત જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઊભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર ૪ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
ડમ્પરમાં અચાનક એર પ્રેશરની તકનીકી સમસ્યા સર્જાતાં ચાલકે ડમ્પરને એક્સપ્રેસ વે પર જ ઊભું રાખી દીધું હતું. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર ઊભેલા ડમ્પરની પાછળ જોરદાર ધડાકા સાથે ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર ૪ લોકોના મોત થયા હતા.

અકસ્માતના કારણે એક્સપ્રેસ વે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી તેમજ વાહનવ્યવહાર પૂર્વવત કરાવી અકસ્માત અંગે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
