દિલ્હી: કેન્દ્ર સરકારે શુક્રવારે રમત સંબંધિત મોટો નિર્ણય લીધો છે. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવોર્ડ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ અવોર્ડ આપણા દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરશે.
રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડનું નામ બદલાયું છે. હવે આ અવોર્ડ મેજર ધ્યાનચંદના નામે અપાશે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે. મોદીએ કહ્યું- ધ્યાનચંદ ભારતના પ્રથમ ખેલાડી હતા, જેમણે દેશને સન્માન અને ગૌરવ અપાવ્યું. દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર તેમના નામ પર જ હોવો જોઈએ એ યોગ્ય છે. આ માહિતી તેમને ટ્વીટ કરીને આપી હતી.
જાણો શું છે હોકીના જાદુગર ની બેકગ્રાઉન્ડ સ્ટોરી:
ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. ભારતમાં આ દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેમની આત્મકથાનું નામ ‘ગોલ’ છે. ધ્યાનચંદ માત્ર 16 વર્ષની ઉંમરે ભારતીય સેનામાં જોડાયા હતા . તેનું સાચું નામ ધ્યાન સિંહ હતું. તે ફરજ બાદ ચાંદની રોશનીમાં હોકી પ્રેક્ટિસ કરતા હતા, તેથી તે ધ્યાનચંદ તરીકે ઓળખાવા લાગ્યા હતા. ધ્યાનચંદે 1926 થી 1949 સુધી 185 આંતરરાષ્ટ્રીય મેચોમાં 400 ગોલ કર્યા હતા. તેની રમતને કારણે ભારતે 1928, 1932 અને 1936 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેણે 1928 એમ્સ્ટર્ડમ ઓલિમ્પિકમાં 14 ગોલ કર્યા હતા. ત્યારે એક સ્થાનિક અખબારે લખ્યું હતું કે, ‘તે હોકી નહીં, જાદુ હતો અને ધ્યાનચંદ હોકીના જાદુગર છે.’ ત્યારથી હોકીના જાદુગર તરીકે તેઓ પ્રખ્યાત થયા હતા.