બોલિવુડ અભિનેતા સલમાન ખાનને આતંકવાદી ગણાવતો એક લેટર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લેટર પાકિસ્તાન સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે.
DD ન્યૂઝ અનુસાર, સલમાને ગયા અઠવાડિયે સાઉદી અરેબિયામાં એક કાર્યક્રમ દરમિયાન બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ગણાવ્યું હતું, ત્યારબાદ કથિત રીતે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
લેટરમાં જણાવાયું છે કે પાકિસ્તાન સરકારે સલમાનને આતંકવાદ વિરોધી અધિનિયમ 1997ની ચોથી યાદીમાં મૂક્યો છે. આ યાદીમાં આતંકવાદમાં સંડોવાયેલા હોવાની શંકાસ્પદ વ્યક્તિઓની યાદી છે.
જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સે આ સમાચારને ખોટા ગણાવ્યા છે. બલુચિસ્તાન અંગે સલમાન ખાનનું નિવેદન 17 ઓક્ટોબરે આપવામાં આવ્યું હતું, જ્યારે લેટર 16 ઓક્ટોબરનો છે. વધુમાં, પાકિસ્તાન સરકાર દ્વારા આ જ નંબર સાથેનો બીજો લેટર જારી કરવામાં આવ્યો હતો. આ બધાને જોતા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લેટર ફેક છે.

સલમાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સાથે 17 ઓક્ટોબરના રોજ રિયાધમાં ‘જોય ફોરમ 2025’ માં ભારતીય ફિલ્મોની લોકપ્રિયતા પર બોલી રહ્યા હતા.
આ દરમિયાન તેમણે કહ્યું કે જો તમે અહીં હિન્દી ફિલ્મ રિલીઝ કરશો તો તે સુપરહિટ થશે. તમિલ, તેલુગુ કે મલયાલમ ફિલ્મો પણ સેંકડો કરોડ કમાઈ શકે છે, કારણ કે બલુચિસ્તાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના લોકો અહીં કામ કરે છે.
આ નિવેદનમાં સલમાને બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ગણાવ્યું હતું, ત્યારબાદ પાકિસ્તાની મીડિયામાં સલમાન ખાનની ભારે ટીકા થઈ હતી.