અમદાવાદના હોટકેશ્વરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની ઘાતકી હત્યાની ઘટના બાદ સ્કૂલ સખત વિવાદમાં હતી અને વાલીઓનો ઉગ્ર વિરોધ પણ જોવા મળ્યો હતો. ત્યારે હવે આ સ્કૂલને લઈ બીજી એક મોટી વાત સામે આવી છે.
અમદાવાદના હાટકેશ્વરમાં આવેલી સેવેન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની સરેઆમ હત્યા કર્યા પછી સ્કૂલ અને તેના સંચાલકો સામે ઘણા પ્રશ્નો ઊભા થયા હતા. તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને આ કમિટીએ એક મોટી વાત જાહેર કરી છે જેને લઈ સ્કૂલ ફરી વિવાદમાં ફસાઈ શકે છે.

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈને જિલ્લાની શિક્ષણ અધિકારી કમિટીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જિલ્લા શિક્ષણ વિભાગે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ સ્કૂલ ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. સ્કૂલે વર્ગો વધારવા અને સ્થળ ફેરફાર માટે કોઈ પ્રકારની સરકારની મંજૂરી મેળવી નહોતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે શાળાને માત્ર ધોરણ ૧ અને ૨ માટે મણિનગર-પૂર્વ વિસ્તારમાં મંજૂરી મળી હતી, પરંતુ બાદમાં શાળાએ ધોરણ ૬ સુધીના વર્ગો ચલાવવાનું શરૂ કર્યું હતું.

દસ્તાવેજો મુજબ, વર્ષ ૧૯૮૧ થી ૧૯૮૬ દરમિયાન ધોરણ ૧ થી ૬ માટે મંજૂરી તો હતી, પરંતુ તે પણ નિશ્ચિત સ્થળ માટે જ હતી. જે જગ્યાએ તાજેતરમાં હત્યાનો બનાવ બન્યો, તે સ્થળ માટે શાળાની જગ્યામાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનો કોઈ પુરાવો કે દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો નહોતો. એટલે કે, હાલ જે જગ્યાએ સ્કૂલ ચલાવવામાં આવી રહી છે તે સ્થળ શિક્ષણ વિભાગ દ્વારા માન્ય ગણાતું નથી.

હત્યાના બનાવ બાદ જિલ્લાના ડીઈઓએ તપાસ માટે વિશેષ કમિટીની રચના કરી હતી. આ કમિટીના અહેવાલમાં એક જ સ્કૂલના અલગ અલગ ટ્રસ્ટો દ્વારા સંચાલન થતું હોવાનું પણ ખુલ્યું છે, જે શિક્ષણ નિયમોનું ઉલ્લંઘન છે. કમિટીના નિષ્કર્ષ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજ્યના શિક્ષણ વિભાગને સ્કૂલને સરકારના હસ્તક લેવા માટે રજુઆત કરી છે. આ સમગ્ર ઘટનાએ શિક્ષણ ક્ષેત્રમાં બેદરકારી અને નિયમ ભંગના મુદ્દા પર ચર્ચા ગરમાવી છે.

આ ઘટના ૧૯ ઓગસ્ટના રોજ બની હતી. ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં નજીવી બાબતમાં ધોરણ ૮ ના એક સગીર વિદ્યાર્થીએ ધોરણ ૧૦ ના વિદ્યાર્થીને બોક્સ કટર મારી દીધું હતું. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું સારવાર દરમિયાન ૨૦ ઓગસ્ટના રોજ મણિનગરની હોસ્પિટલમાં દુઃખદ મોત થયું હતું. આરોપી સગીર વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે. વિદ્યાર્થીનાં મોત બાદ પરિસ્થિતિ તંગ બની હતી. વિદ્યાર્થીનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચીને પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર માર્યો હતો અને તોડફોડ કરી હતી. આ ઘટનાના ગુજરાતભરમાં ભારે પડઘા પડ્યા હતા. સ્કૂલની ઘટના પછી ઘણા વાલીઓએ સ્કૂલ પણ બદલી દીધી હતી. પરતુ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા વાલીઓ માટે સ્કૂલ બદલવી ખુબજ મુશ્કેલ હોવાનું સામે આવ્યું હતું.
