બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ માટે ૬ નવેમ્બર(પહેલા તબક્કા) અને ૧૧ નવેમ્બર(બીજા તબક્કા)નું મતદાન થયું હતું. આ વખતે બિહારમાં મતદાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. બંને તબક્કાનું મળીને સરેરાશ ૬૭.૧૩ % મતદાન થયું હતું. ત્યારે હવે આજે(૧૪ નવેમ્બર) બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે.

ભારતીય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, તેજસ્વી યાદવ, આરજેડીના ગઢ રાઘોપુરમાં ભાજપના હરીફથી પાછળ છે. સવારે ૧૧:૧૫ વાગ્યા સુધીમાં તેજસ્વી યાદવને ૧૦૯૫૭ મત મળ્યા, જ્યારે ભાજપના સતીશ કુમારને ૧૨૨૩૦ મત મળ્યા. ૩૦ માંથી ૪ રાઉન્ડના અંતે હાલમાં રાઘોપુરના ભાજપના ઉમેદવાર ૩૦૧૬ વોટથી લીડ મેળવી રહ્યા છે.

કોંગ્રેસ નેતા પવન ખેરાએ બિહાર ચૂંટણી પર ટિપ્પણી કરતા કહ્યું કે, ‘પ્રારંભિક વલણો દર્શાવે છે કે જ્ઞાનેશ કુમાર બિહારના લોકો સામે સફળ થઈ રહ્યા છે. આ લડાઈ ભાજપ, કોંગ્રેસ, આરજેડી અને જેડીયુ વચ્ચે નથી. આ જ્ઞાનેશ કુમાર અને ભારતના લોકો વચ્ચે સીધી લડાઈ છે.’

વલણોમાં એનડીએ ગઠબંધન ૧૯૦ બેઠકને પાર થઇ ગયું છે. તેમાં ભાજપને ૮૦, જેડીયુને ૮૨, એલજેપીને ૨૩ અને અન્યને ૫ બેઠક મળતી દેખાય છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડીને ૩૬, કોંગ્રેસને ૭, વીઆઈપીને 0 અને અન્યને ૬ સીટ મળતી દેખાય છે. વલણોમાં નુકસાન અંગે પ્રતિક્રિયા આપતાં આરજેડીએ કહ્યું કે વલણોમાં નુકસાન કેમ થયું એની સમીક્ષા કરવી પડશે.

બિહારમાં કઈ પાર્ટી ફાયદામાં અને કોને મોટું નુકસાન
| પાર્ટી | ૨૦૨૦ પરિણામ | ૨૦૨૫ લીડ |
| ભાજપ | ૭૪ | ૮૦ |
| જેડીયુ | ૪૩ | ૮૪ |
| આરજેડી | ૭૫ | ૩૭ |
| કોંગ્રેસ | ૧૯ | ૭ |
માહિતી અનુસાર અત્યાર સુધીના વલણોમાં એનડીએમાં ભાજપ ૭૭, જેડીયુ ૮૧, એલજેપી ૨૨ અને અન્ય ૫ બેઠક પર આગળ છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડી ૪૧, કોંગ્રેસ ૭ અને વીઆઈપી ૦ તથા અન્ય ૬ બેઠક પર આગળ છે.

