આ વખતે રાજ્યનું બજેટ અંદાજે ૪ લાખ કરોડ રૂપિયાનું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
)
ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ થવાનું છે. મહત્વનું છે કે, નાણાં મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત ગૃહમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ વખતે રાજ્યનું બજેટ અંદાજે ૪ લાખ કરોડ રૂપિયાનું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ આંકડો હકીકતમાં સાબિત થાય તો ગુજરાતના ઈતિહાસમાં આ એક મોટું અને વિસ્તૃત બજેટ ગણાશે.

ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે રાજ્યનું બજેટ ૩.૭૦ લાખ કરોડ રૂપિયાનું હતું. એટલે કે આ વર્ષે બજેટના કદમાં આશરે ૧૨ થી ૧૫ % નો વધારો જોવા મળી શકે છે. આવતા વર્ષની આર્થિક યોજનામાં માળખાગત વિકાસ, કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં વધુ ફાળવણી થવાની શક્યતા છે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ યોજનાઓને વધુ મજબૂત બનાવવા સાથે નવી યોજનાઓની પણ જાહેરાત થવાની સંભાવના છે.
કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે, જે તેમની પ્રશાસકીય અનુભૂતિ અને સરકારના વિશ્વાસને દર્શાવે છે. બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ રાજ્યના આવનારા વર્ષના વિકાસનો રોડમૅપ પણ છે.

આ તરફ હવે રાજ્યના નાગરિકો અને ઉદ્યોગ જગતને આ બજેટથી ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે. ખાસ કરીને યુવાનો માટે રોજગાર, ખેડુતો માટે સહાય અને નાના-મધ્યમ ઉદ્યોગો માટે પ્રોત્સાહન જેવી જાહેરાતો પર સૌની નજર રહેશે.
