આમ આદમી પાર્ટી ના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાના આક્રમક પ્રહાર

આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આખરે પોતાની પાર્ટી સામે જ મોરચો ખોલી દીધો છે. રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદ પરથી હટાવવામાં આવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ એક વીડિયો જાહેર કરીને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સીધો સવાલ કર્યો છે કે, “શું જનતાના મુદ્દા ઉઠાવવા એ ગુનો છે?”

રાઘવ ચઢ્ઢાએ અત્યંત આક્રમક અંદાજમાં પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “મને જ્યારે પણ સંસદમાં બોલવાની તક મળે છે, ત્યારે હું જનતાના મુદ્દા ઉઠાવું છું. કદાચ એવા વિષયો જે સામાન્ય રીતે સંસદમાં ચર્ચાતા નથી. મને ખામોશ કરવાના પ્રયાસો થયા છે, પરંતુ હું હાર્યો નથી. જે લોકોએ મને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો છે તેમને કહેવા માંગુ છું કે,” મેરી ખામોશી કો મેરી હાર મત સમજ લેના, મેં વો દરિયા હૂં જો વક્ત આને પર સૈલાબ બનતા હૈ.”

ગુરુવારે આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદ પરથી હટાવવાની વિનંતી કરી હતી. એટલું જ નહીં, પાર્ટીએ એવી પણ માગ કરી છે કે રાઘવ ચઢ્ઢાને આમ આદમી પાર્ટી ના નિર્ધારિત ક્વોટામાંથી બોલવા માટે સમય ફાળવવામાં ન આવે. તેમના સ્થાને પંજાબના સાંસદ અશોક મિત્તલનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.
એક સમયે અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના સાથી ગણાતા રાઘવ ચઢ્ઢા અને પાર્ટી વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક મહિનાઓથી વણસ્યા છે. તેની પાછળ કેટલાક મહત્ત્વના પરિબળો છે. જેમાં કેટલાક મુખ્ય કારણો હાલ ચર્ચામાં છે.

રાઘવ ચઢ્ઢાએ પોતાના વીડિયોમાં મધ્યમ વર્ગ પર ટેક્સનું ભારણ, ડેટા એક્સપાયરીની સમસ્યા અને ઍરપૉર્ટ પર વધારાના સામાનના ચાર્જ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંકેત આપ્યો કે તેઓ જનતાની વાત કરી રહ્યા છે, જેનાથી કદાચ પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે AAPમાં હવે રાઘવ ચઢ્ઢાનું સ્થાન જોખમમાં છે. પંજાબથી રાજ્યસભા સાંસદ બનેલા ચઢ્ઢા અને આપ વચ્ચે હવે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી પ્રબળ શક્યતા છે.

