ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ તેજ બન્યો છે. પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિ દ્વારા મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ૭ મહાનગરપાલિકા માટે કુલ ૨૪૩ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને જે વોર્ડમાં આંતરિક વિવાદ ઓછો હતો અને દાવેદારી માટે મર્યાદિત ફોર્મ આવ્યા હતા, ત્યાં પક્ષે વહેલી તકે ઉમેદવારો નક્કી કરી દીધા છે.

રાજકોટમાં ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાને રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૨ માંથી ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને મોરબી જેવી મહાનગરપાલિકાઓ માટે પેનલ અને ઉમેદવારો જાહેર કરાયા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ગોતા, ચાંદલોડિયા, નવરંગપુરા અને વેજલપુર જેવા મહત્ત્વના વોર્ડમાં ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.









