ગુજરાત જીતવા નીકળેલી આમ આદમી પાર્ટી ને મૂરતિયા શોધવાના ફાંફાં

ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો કથિત ઓડિયો વાઇરલ થયા બાદ હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં સંભળાય રહ્યું છે કે ગુજરાતનો ગઢ મોટા ઉપાડે જીતવા નીકળેલી આમ આદમી પાર્ટીને ઉમેદવારોના રીતસરના ફાંફાં છે.

ઈસુદાન ગઢવી કહી રહ્યા છે કે ગમે તે ભોગે ઉમેદવાર શોધી કાઢો. લોકોના ઘરે જાવ અને પગે પળો પણ ઉમેદવાર શોધી કાઢો. એ ઓડિયો ત્રીસ સેકન્ડનો છે. જે આમ આદમી પાર્ટીની અંદરથી જ વાયરલ થયો છે. ઉપરથી પ્રદેશ પ્રમુખ ઈસુદાનનો જ અવાજ સંભળાય રહ્યો છે.

એક તરફ આમ આદમી પાર્ટી ઐતિહાસિક જીતનો દાવો કરી રહી છે બીજી બાજુ તેને મૂરતિયા શોધવાના જ ફાંફા પડી રહ્યા છે. આ મહિનામાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. મતદાન છે અને પરિણામ પણ છે. આજે આઠ તારીખ થઈ ચૂકી છે ત્યારે હજુ જો પાર્ટીને ઉમેદવાર ન મળતા હોય તો પાર્ટીના ગુજરાતમાં ‘હોવાપણા’ વિશે જરૂરથી સવાલ ઊભો થાય. ગુજરાતમાં જ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ કારણે તો આમ આદમી પાર્ટીનું ફિંડલું વળી જશે.

સ્થાનિક લેવલે જો કોઈ પાર્ટી મજબૂત થાય તો આગામી સમયમાં એ પોતાનો પગદંડો જમાવી શકે, પરંતુ હાલ તો પાર્ટીને કોઈ મળી રહ્યું નથી. એક તરફથી ભારતીય જનતા પાર્ટી છે જેનો ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી. બીજી તરફ કોંગ્રેસ છે જેના અસ્તિત્વ સામે વર્ષોથી સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્રીજી બાજુ અરવિંદ કેજરીવાલે કેટલાક મોટા નેતાઓ સાથે મેદાનમાં આમ આદમી પાર્ટીને ઉતારી હતી. પરંતુ બાદમાં પાર્ટીની અંદર જ એવી તડાફડી મચી ગઈ કે પાર્ટી અડધી વેરવિખેર થઈ ગઈ. છેલ્લે યુવા નેતા અને ખેડૂતોમાં જેનું નામ હતું તે રાજુ કરપડા બાકી હતા, પણ તેમણે ય આમ આદમી પાર્ટીને સાયોનારા કહી દીધું.

આ ઓડિયોક્લિપમાં એક શબ્દ સંભળાય રહ્યો છે. જેમાં ઈસુદાન ગઢવી કહે છે કે, વિસાવદરનું જે પીકઅપ હતું એ પૂરું થઈ ગયું. આનો અર્થ તો એ જ સરે છે કે વિસાવદરમાં જે જંગ જીતી ગયા એ જીતી ગયા. હવે ક્યાંય જીતની પાર્ટીને ખૂદને જ આશા નથી. હાલ તો ઈસુદાન ગઢવીને કોઈ ઉમેદવાર નથી મળી રહ્યા એ એક જ સવાલ ઊભો કરે છે કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા નીકળેલી આમ આદમી પાર્ટીનું પોતાનું ક્યાંય ઠેંકાણું નથી.
