ઓઈલ અંગે વિશ્વનું ટેન્શન વધ્યું

પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનમાં થયેલી મંત્રણાઓ નિષ્ફળ જતાં હવે યુદ્ધની જ્વાળાઓ વધુ પ્રબળ બની છે. ઈરાનની સૈન્ય પાંખ આઇઆરજીસી એ હોર્મુઝની ખાડી પર પોતાના સંપૂર્ણ નિયંત્રણનો દાવો કરતા અમેરિકાને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો ‘દુશ્મન’ (અમેરિકા) તરફથી કોઈ પણ ખોટું પગલું ભરવામાં આવશે, તો તેનો જવાબ અત્યંત ઘાતક હશે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, તેમના બે શક્તિશાળી યુદ્ધજહાજોએ હોર્મુઝ પસાર કરીને દરિયાઈ સુરંગો હટાવવાનું કામ કર્યું હતું. જોકે, ઈરાને આ વાતને નકારી કાઢતા કહ્યું કે તેમના નૌકાદળે અમેરિકી જહાજોને પાછા હઠવા પર મજબૂર કર્યા હતા. ઈરાની મીડિયા મુજબ, આ માત્ર વોશિંગ્ટનનો પ્રોપેગેન્ડા છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત થઈ હતી, પરંતુ તાજેતરના ઘટનાક્રમ જોતા આ કરાર તૂટવાની અણી પર છે. ઈરાને જાહેર કર્યું છે કે જો કોઈ પણ સૈન્ય જહાજ કોઈ પણ બહાને હોર્મુઝની નજીક આવશે, તો તેને સીઝફાયરનું ઉલ્લંઘન માનીને તેના પર સીધો હુમલો કરવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં ‘સંપૂર્ણ દરિયાઈ નાકાબંધી’ની જાહેરાત કરી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ ગઇકાલે સાંજથી જ ઈરાનના તમામ બંદરો પર આવતા-જતા જહાજોને અટકાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે ઈરાન પર અમેરિકાના હુમલા બાદ ઈરાને મિત્ર દેશો સિવાયના દેશોના જહાજો માટે હોર્મુઝની ખાડી બંધ કરી હતી. આ રસ્તાથી ગલ્ફ દેશો દુનિયાના અનેક દેશોને ગેસ અને ઓઈલ પહોંચાડે છે. જેના કારણે અનેક દેશોમાં ઓઈલ અને ગેસની અછત સર્જાઈ હતી. જોકે ઈરાને ભારત જેવા મિત્ર દેશોને આ પ્રતિબંધમાંથી રાહત આપી હતી.
