ભાજપે સમ્રાટ ચૌધરીને સોંપી જવાબદારી

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજ્યસભાના સાંસદ બન્યા બાદ તેમણે આજે મંગળવારે બિહારના મુખ્યમંત્રી પદેથી સ્વૈછિક રાજીનામું આપી દીધું છે. જે બાદ બિહારમાં નવી સરકાર રચવા કેન્દ્રીયમંત્રી પર્યવેશન શિવરાજસિંહના નેતૃત્વ હેઠળ બિહાર ભાજપના ધારાસભ્ય દળની બેઠળ મળી, જેમાં બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીના નામ પર મહોર મારવામાં આવી.

સમ્રાટ ચૌધરી ભલે અલગ-અલગ પક્ષોમાંથી પસાર થઈને ભાજપમાં આવ્યા હોય, પરંતુ તેમને રાજકીય સફળતા અને નામના ભાજપમાં મળ. સમ્રાટ ચૌધરી પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ રાજકારણમાં આવ્યા હતા. તેમણે સમતા પાર્ટીથી પોતાની સફર શરૂ કરી અને ત્યારબાદ આરજેડી માં જોડાયા. આરજેડી માં તેઓ મંત્રી બન્યા અને પછી ભાજપનો સાથ પકડ્યો. ભાજપના વાતાવરણમાં તેઓ ખૂબ જ ફાલ્યા-ફૂલ્યા.

વર્ષ ૨૦૧૮ માં સમ્રાટ ચૌધરી ભાજપમાં જોડાયા અને આજે પ્રદેશ ભાજપમાં પ્રથમ હરોળના સ્થાન પર બિરાજમાન છે. ૨૦૧૯ માં જ્યારે નિત્યાનંદ રાય પ્રદેશ અધ્યક્ષ હતા, ત્યારે સમ્રાટ ચૌધરીને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ૨૦૨૦ માં તેઓ ભાજપ તરફથી વિધાન પરિષદમાં પહોંચ્યા. ઓગસ્ટ ૨૦૨૨ માં જ્યારે નીતીશ કુમારે ભાજપ સાથેનો છેડો ફાડીને આરજેડી સાથે મહાગઠબંધન સરકાર બનાવી, ત્યારે સમ્રાટ ચૌધરીને ખરી રાજકીય ઓળખ મળી. તેઓ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા બન્યા. વર્ષ ૨૦૨૩ માં સમ્રાટ ચૌધરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને ત્યારબાદ જ્યારે નીતીશ કુમારે ફરીથી એનડીએ માં વાપસી કરી, ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રીની ખુરશી સોંપવામાં આવી. એટલું જ નહીં, ૨૦૨૫ ની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષના નિશાના પર સૌથી વધુ સમ્રાટ ચૌધરી રહ્યા હતા, જેનું પરિણામ એ આવ્યું કે એનડીએ ની વાપસી થતા તેમને ફરીથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

નીતિશ કુમારે આજે રાજ્યપાલને મળીને બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે તેમણે રાજીનામું આપતા પહેલા પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી જેમાં તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. તેમણે વર્ષ 2005થી અત્યાર સુધી બિહારના વિકાસ માટે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારથી હું સત્તામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી મારાથી જ્યાં સુધી થઈ શક્યું ત્યાં સુધી મેં બિહાર માટે કર્યું છે. આ દરમિયાન બેઠકમાં હાજર રહેલા અન્ય મંત્રીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

નીતીશ કુમારે નવી બનનારી સરકારને પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ખાતરી આપી હતી કે નવી સરકારને જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેમનું માર્ગદર્શન મળતું રહેશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બિહારમાં વિકાસની યોજનાઓ અટકવી જોઈએ નહીં અને રાજ્ય પ્રગતિના પથ પર આગળ વધતું રહેવું જોઈએ.


