ઉત્તર પ્રદેશના નોઈડામાં પગાર વધારાની માંગ સાથે શરૂ થયેલું શ્રમિકોનું પ્રદર્શન બીજા દિવસે પણ અત્યંત હિંસક રહ્યું છે. સોમવારે ૮૦ થી વધુ સ્થળોએ ૪૦ હજારથી વધુ ફેક્ટરી કર્મચારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ હિંસાના મામલે અત્યાર સુધીમાં ૩૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ૧૦૦ થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

આ હિંસામાં હવે એક નવો વળાંક આવ્યો છે. ઉત્તર પ્રદેશના શ્રમ મંત્રી અનિલ રાજભરે દાવો કર્યો છે કે આ હિંસા ભડકાવવા પાછળ વિદેશી તાકાતો અથવા ‘પાકિસ્તાની લિંક’ હોઈ શકે છે. હાલમાં જ પકડાયેલા કેટલાક આતંકવાદીઓના સંદર્ભમાં પોલીસ આ એન્ગલથી તપાસ કરી રહી છે કે શું શ્રમિકોને ઉશ્કેરવા પાછળ કોઈ ષડયંત્ર છે.

હિંસક દેખાવોને જોતા ઉત્તર પ્રદેશ સરકારે તાત્કાલિક અસરથી લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે.
અકુશળ શ્રમિકો: રૂ. ૧૧,૩૧૩ થી વધારીને ૧૩,૬૯૦
અર્ધ-કુશળ શ્રમિકો: રૂ. ૧૫૦૫૯
કુશળ શ્રમિકો: રૂ. ૧૬૮૬૮

આ વધારો ૧ એપ્રિલ ૨૦૨૬ થી લાગુ ગણવામાં આવશે. તેમ છતાં, શ્રમિકોની માંગ છે કે મોંઘવારીને જોતા પગાર ઓછામાં ઓછો ૨૦ થી ૨૫ હજાર હોવો જોઈએ. કેટલાક અફવાખોરોએ શ્રમિકોને એવી ખોટી માહિતી આપી છે કે સરકારે ૨૦ હજાર પગાર નક્કી કર્યો છે પણ માલિકો આપતા નથી, જેના કારણે રોષ વધ્યો છે.

માત્ર ફેક્ટરી જ નહીં, પણ હવે સેક્ટર ૧૨૧ જેવી સોસાયટીઓમાં કામ કરતી મેડ (ઘરકામ કરતી મહિલાઓ) અને સફાઈ કામદારોએ પણ પગાર વધારાની માંગ સાથે પથ્થરમારો શરૂ કર્યો છે. નોઈડાના સેક્ટર ૭૦ અને ૮૦ માં સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે અને ભારે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
