યુરોપિયન સ્પેસ એજન્સી પ્રોબા-૩ મિશને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. જુલાઈ ૨૦૨૫ માં લોન્ચ થયેલા આ મિશને સૂર્યના અત્યંત નજીકના વાતાવરણ,જેને આંતરિક કોરોના’ કહેવામાં આવે છે, તેના વિશે એવા ચોંકાવનારા ડેટા મોકલ્યા છે, જેણે વિજ્ઞાનની જૂની ધારણાઓને બદલી નાખી છે.

કૃત્રિમ સૂર્યગ્રહણ અને અદભૂત ડેટા
પ્રોબા-૩ એ બે ઉપગ્રહની એક જોડી છે જે અવકાશમાં એકબીજાથી ચોક્કસ અંતરે રહીને સૂર્યની તસવીરો કેપ્ચર કરે છે. આ જોડીએ અત્યાર સુધીમાં ૫૭ જેટલા કૃત્રિમ સૂર્યગ્રહણો સર્જીને સૂર્યના વાતાવરણનો અભ્યાસ કર્યો છે. આ મિશન દ્વારા લગભગ ૨૫૦ કલાકનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. જો આટલો ડેટા પૃથ્વી પરથી મેળવવો હોય તો લગભગ ૫,૦૦૦ પૂર્ણ સૂર્યગ્રહણોની રાહ જોવી પડે. આ ડેટાની મદદથી પ્રથમ વખત માનવજાત સૂર્યના એ સ્તરને આટલી નજીકથી જોઈ શકી છે જ્યાંથી ભયાનક સૌર તોફાનો ઉદ્ભવે છે.

સૌર પવનોની ચોંકાવનારી ગતિ
અત્યાર સુધી ખગોળશાસ્ત્રીઓનું માનવું હતું કે સૂર્યની નજીક ફૂંકાતા ધીમા સૌર પવનોની ગતિ અંદાજે ૧૦૦ કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે. પરંતુ પ્રોબા-૩ ના ASPIICS સાધને મોકલેલા પરિણામો કંઈક અલગ જ વાર્તા કહે છે. સંશોધન મુજબ, આ પવનો અગાઉના અંદાજ કરતા ચાર ગણી વધુ ઝડપે એટલે કે ૨૫૦ થી ૫૦૦ કિલોમીટર પ્રતિ સેકન્ડની રફ્તારથી મુસાફરી કરી રહ્યા છે.

બેલ્જિયમના રોયલ ઓબ્ઝર્વેટરીના નિષ્ણાતોના મતે, સૂર્યની આટલી નજીક ઓપ્ટિકલ તરંગલંબાઈ પર આ પ્રકારની ગતિવિધિ નોંધાઈ હોય તેવું પ્રથમ વાર બન્યું છે. આ શોધ સૂર્યના વર્તમાન મોડેલોને ફરીથી લખવા માટે મજબૂર કરે છે.

શા માટે ધીમા સૌર પવનોને સમજવા મુશ્કેલ છે?
અવકાશ વિજ્ઞાનમાં સૌર પવનોને બે શ્રેણીમાં વહેંચવામાં આવે છે: ઝડપી અને ધીમા.
ઝડપી પવનો: તે કોરોનલ છિદ્રોમાંથી સીધા પ્રવાહમાં નીકળે છે, તેથી તેનો અભ્યાસ સરળ છે.
ધીમા પવનો: આ પવનો અત્યંત અસ્થિર અને લહેરાતા હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સૂર્યની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યારે તૂટે છે અને ફરીથી જોડાય છે, ત્યારે પ્લાઝ્માના મોટા બોલ બહાર ફેંકાય છે, જે આ પવનોનું નિર્માણ કરે છે.

પ્રોબા-૩ ના અવલોકનો દર્શાવે છે કે આ પ્લાઝ્મા બોલ ક્યારેક અચાનક વેગ પકડે છે તો ક્યારેક એકાએક ધીમા પડી જાય છે. આ જટિલ અને અસમાન પ્રવાહને કારણે જ અત્યાર સુધી તેને સમજવા મુશ્કેલ હતા.
વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
