આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા હવાલાથી મોકલવામાં આવતાં પૈસાના આખા નેટવર્કનો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. હવાલાથી પૈસા લઈ રહ્યા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

એક જ આંગડિયાથી ૧ કરોડથી વધારે રોકડા રૂપિયા લેવામાં આવ્યા હોવાનો ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે આમ આદમી પાર્ટી ના નેતાઓ હિમાંશુ પાહુજા, આકાશ મિશ્રા, અજય તિવારીની એક આખી સિન્ડિકેટ છે જે દિલ્હીથી સુરત પોલિટિકલ ફંડિંગ માટે હવાલાથી પૈસા મોકલે છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો પ્રમાણે આમ આદમી પાર્ટી સિન્ડિકેટના હિમાંશુ પાહુજા કે જે દિલ્લી સ્થિત છે અને આકાશ મિશ્રા તથા અજય તિવારી જે અત્યારે સુરત સ્થિત છે. તેઓ દિલ્હી હાઈકમાન્ડ માટે એક અત્યંત સુનિયોજિત આંતરરાજ્ય ‘હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટ’ ચલાવે છે.

કોણ છે હિમાંશુ પાહુજા?
દિલ્હીના જનકપુરીમાં રહેતો હિમાંશુ પાહુજા કે જે અગાઉ કોંગ્રેસમાં સક્રિય હતો અને હાલમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે સાથે જે આમ આદમી પાર્ટી ના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો નજીકનો માણસ ગણાય છે. હિમાંશુ સિન્ડિકેટના મુખ્ય ફાઇનાન્સર અને હેન્ડલર તરીકે કામ કરે છે.
આકાશ મિશ્રા સત્યેન્દ્ર જૈનનો રહી ચૂક્યો છે પીએ
બીજી તરફ સુરતના પીપલોદ વિસ્તારમાં રહીને ઓપરેટ કરતો આકાશ મિશ્રા જે પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ પણ રહી ચૂક્યો છે તે તથા તેની સાથે અજય તિવારી આ ફંડિંગ નેટવર્કના સુરત ખાતેના મુખ્ય ફાઇનાન્સિયલ રિસીવર અને ડિસ્ટ્રીબ્યુટર તરીકે સુરતનું પોલિટિકલ બેઝ સંભાળે છે.
હિમાંશુ પાહુજા દિલ્હી હાઈકમાન્ડ અને સુરતમાં સક્રિય ‘આકાશ મિશ્રા સિન્ડિકેટ’ વચ્ચેની સૌથી મોટી કડી હોવાનો ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે.
દિલ્હી હાઈકમાન્ડના સીધા આદેશથી હિમાંશુ પાહુજા દ્વારા દર મહિને આંગડિયા મારફતે લાખો રૂપિયાનું ગુપ્ત કાળું નાણું સુરતમાં બેઠેલા આકાશ મિશ્રાને મોકલવામાં આવતું હોવાનો પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
![]()
આકાશ મિશ્રા અને અજય તિવારી હવાલા મારફતે મેળવેલા આ લાખો રૂપિયાનો ઉપયોગ સુરતમાં સ્થાનિક કાર્યકરો મારફતે આમ આદમી પાર્ટી ના પ્રચાર-પ્રસાર, ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેમજ સ્થાનિક માણસોને પૈસા આપી નેટવર્ક મજબૂત કરવા માટે કરતાં હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

હિમાંશુ પાહુજા (દિલ્હીથી ફંડ મોકલનાર) અને આકાશ મિશ્રા (સુરતમાં ફંડ વહેંચનાર) ની આ જોડી ગુજરાતમાં પાર્ટીના ગુપ્ત ફંડિંગ અને ચૂંટણીલક્ષી વ્યવસ્થાપન માટેની સૌથી મહત્વની અને ગેરકાયદેસર આર્થિક ચેઇન ચલાવી રહ્યાનો આરોપ છે.

પોલીસ અને ઇન્કમટેક્સ દ્વારા આકાશ મિશ્રા અને અજય તિવારી સાથે સંકળાયેલા સુરતના અનેક નેતાઓને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવનાર છે. આ અંગેની તપાસ અનેક મોટા માથાઓ સુધી પહોંચી શકે એવી સંભાવનાઓ છે.
