
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે બુધવાર, આજ રોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના સાત જિલ્લાઓની કુલ ૧૪૨ બેઠકો પર આજે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં ૨૩ એપ્રિલના રોજ ૧૫૨ બેઠકો પર રેકોર્ડબ્રેક ૯૩.૧૯ % મતદાન નોંધાયું હતું, જે રાજ્યના ઈતિહાસમાં સૌથી વધુ છે.

મતદાનના મુખ્ય આંકડા
બીજા તબક્કામાં કુલ ૩,૨૧,૭૩,૮૩૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેની વિગત નીચે મુજબ છે:
પુરુષ મતદારો: ૧,૬૪,૩૫,૬૨૭
મહિલા મતદારો: ૧,૫૭,૩૭,૪૧૮
થર્ડ જેન્ડર: ૭૯૨

આ તબક્કામાં રાજ્યના અનેક મોટા ચહેરાઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના પરંપરાગત મતક્ષેત્ર ભબાનીપુરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમની સામે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી મેદાનમાં છે. આ સિવાય રાજ્ય મંત્રી સુજીત બોસ (બિધાનનગર), ફિરહાદ હકીમ (કોલકાતા પોર્ટ), બ્રાત્ય બસુ (દમ દમ) અને ભાજપના અર્જુન સિંહ (નોઆપાડા) તથા સ્વપન દાસગુપ્તા (રાશબિહારી) જેવા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. ડાબેરી પક્ષો તરફથી મીનાક્ષી મુખર્જી અને આઈએસએફના નૌશાદ સિદ્દીકી પણ આ જંગમાં છે.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરી છે.
કેન્દ્રીય સુરક્ષા દળોની ૨,૩૨૧ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે, જેમાંથી સૌથી વધુ ૨૭૩ કંપનીઓ માત્ર કોલકાતામાં છે.
કુલ ૪૧,૦૦૧ મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ દ્વારા સીધું નિરીક્ષણ કરવામાં આવશે.
ડ્રોન કેમેરાથી પણ સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવશે.
૧૪૨ જનરલ ઓબ્ઝર્વર્સ અને ૯૫ પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે.
