પશ્ચિમ બંગાળમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બુધવાર રાત્રે ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

હુમલાખોરોએ કોલકાતામાં તેમને નિશાન બનાવીને અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃતક પીએ ચંદ્રનાથ રથ છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે જોડાયેલા હતા અને તેમના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. તાજેતરની ચૂંટણીઓમાં પણ તેઓ પ્રચાર અભિયાન સાથે જોડાયેલી મહત્વની કામગીરી સંભાળી રહ્યા હતા.

આ ઘટના કોલકતાના મધ્યમગ્રામની છે, જ્યાં ચંદ્રનાથ રથને નિશાન બનાવીને ઉપરાછાપરી ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ હાલતમાં તેમને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. આરોપીઓનું પગેરું મેળવવા પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે.

ચંદ્રનાથ એક કાળી સ્કોર્પિયોમાં હતા અને હુમલાખોરોએ બાઇક પર આવીને તેમને નિશાન બનાવ્યા છે. શરૂઆતની વિગતો મુજબ, બાઇક સવાર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. કારની એક તસવીર પણ સામે આવી છે, જેમાં કાચ પર ગોળીઓના નિશાન દેખાઈ રહ્યા છે. એ પણ જાણવા મળ્યું છે કે બાઇક પર નંબર પ્લેટ ન હતી.

હિંસાની આ ઘટનાને લઈને ભાજપે ટીએમસી ટીએમસી પર પ્રહાર કર્યા છે. ભાજપનું કહેવું છે કે ચૂંટણીમાં હારના ડરથી ટીએમસી અકળાઈ ગઈ છે. ચંદ્રનાથની હત્યા પાછળ ટીએમસી નો હાથ હોવાનો ભાજપે દાવો કર્યો છે.
પીએ ની હત્યા બાદ ભાજપ નેતા શુભેન્દુ અધિકારીની પ્રથમ પ્રતિક્રિયા

‘ગુંડાઓનો સફાયો કરી દઈશું..’

લોકો શાંતિ જાળવે, કાયદો હાથમાં ન લે: શુભેન્દુ અધિકારી

ઘટના બાદ મીડિયા સાથે વાત કરતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે તેમના સહયોગી ચંદ્રનાથ રથની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે અને તેની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. તેમણે લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ પણ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે રાજ્યના DGPએ તેમને ભરોસો આપ્યો છે કે પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરશે.
