વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપલને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓએ કાર પુલિંગનો નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ સંરક્ષણ, ટ્રાફિક ઘટાડો અને ઇંધણ બચતને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર કરેલા પરિપત્ર મુજબ હવે કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાર પુલિંગ અને ટુ-વ્હીલર શેરિંગની વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવી છે.

જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા પણ અપીલ
પરિપત્રમાં જણાવાયું છે કે જે અધિકારીઓ અથવા કર્મચારીઓ એક જ મ્યુનિસિપલ ઓફિસના કમ્પાઉન્ડમાં અથવા નજીક આવેલી ઓફિસોમાં ફરજ બજાવે છે અને ઓફિસ આવવા-જવા માટે કારનો ઉપયોગ કરે છે, તેમણે પોતાની રહેઠાણ નજીક રહેતા સહકર્મચારીઓ સાથે કાર પુલિંગ કરીને મુસાફરી કરવી પડશે. અધિકારીઓ અને કર્મચારીઓને એએમટીએસ, બીઆરટીએસ અને અમદાવાદ મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી છે.
સહકર્મચારીઓ સાથે કાર પુલિંગ અથવા ટુ-વ્હીલર શેરિંગ કરીને જવાનું રહેશે
પરિપત્ર અનુસાર, ફીલ્ડ વિઝિટ માટે જતાં અધિકારીઓએ પણ સહકર્મચારીઓ સાથે કાર પુલિંગ અથવા ટુ-વ્હીલર શેરિંગ કરીને જવાનું રહેશે. જે કર્મચારીઓ ઓફિસ આવવા-જવા માટે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે, તેમણે પણ નજીકમાં રહેતા અન્ય કર્મચારીઓ સાથે ટુ-વ્હીલર શેરિંગની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

