મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જનજીવન ખોરવી નાખ્યું છે. જળબંબાકાર સ્થિતિ વચ્ચે ટ્રેન, ફ્લાઇટ અને માર્ગ વ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પ્રશાસને ખાનગી કંપનીઓને વર્ક ફ્રોમ હોમ અમલમાં મૂકવાની સલાહ આપી છે જ્યારે સરકારી કર્મચારીઓને અડધા દિવસની રજા આપવામાં આવી છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

મુંબઈ, વસઈ-વિરાર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર અને દૈનિક જીવન પર ગંભીર અસર પડી છે. લોકોને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને ખાનગી કંપનીઓને કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા કરવાની ભલામણ કરી છે. સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓને અડધા દિવસની રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખરાબ હવામાનના કારણે હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.એરલાઇન કંપનીઓએ મુસાફરોને એરપોર્ટ જતાં પહેલાં ફ્લાઇટની સ્થિતિ ચકાસવાની સલાહ આપી છે, કારણ કે કેટલીક ફ્લાઇટ્સમાં વિલંબ અથવા ફેરફાર થઈ શકે છે.

ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક સેવાઓ ધીમી કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી છે. સફાલે સહિતના વિસ્તારોમાં રેલવે ટ્રેક પર પાણી ભરાતા લોકલ ટ્રેન સેવાઓને અસર પહોંચી છે.

વસઈ-વિરાર, મધુબન અને અન્ય અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.રાયગઢ જિલ્લામાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહેતી હોવાથી પૂરનો ખતરો વધ્યો છે. મુંબઈ-ગોવા હાઇવેના કેટલાક ભાગોમાં પણ વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

લોનાવાલામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૨૫ મિમી વરસાદ નોંધાયો છે, જે આ ચોમાસાની સૌથી વધુ દૈનિક વરસાદી નોંધ ગણાઈ રહી છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી રહી છે, જેના કારણે કેટલાક મહત્વપૂર્ણ માર્ગો તાત્કાલિક બંધ કરાયા છે.

રાજ્ય સરકારે લોકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને આપત્તિની સ્થિતિમાં સ્થાનિક તંત્રના માર્ગદર્શનનું અનુસરણ કરવા અપીલ કરી છે.
