ઉત્તર પ્રદેશના નોઈડામાં વાહન ચાર્જિંગ વખતે બ્લાસ્ટ થતા પાંચ માળની બિલ્ડિંગમાં ભયાનક આગ લાગી છે. બિલ્ડિંગમાં કુલ ૫૦ પરિવારો રહે છે. આ કરુણ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને અત્યાર સુધીમાં કુલ ૧૦૦ થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની કુલ સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ બાજુની બિલ્ડિંગમાં સીડીનો સહારો લઈને અનેક લોકોના જીવ બચાવ્યા છે.

પ્રાથમિક અહેવાલો મુજબ, નોઈડા સેક્ટર ૬૬ ના મામૂરા ગામમાં આવેલી એક પાંચ માળની બિલ્ડિંગમાં બુધવારે બપોરે આગ લાગી હતી. બિલ્ડિંગના પહેલા માળે પાર્કિંગમાં ઈલેક્ટ્રીક સ્કૂટી ચાર્જિંગમાં મૂકેલી હતી, જેમાં સ્પાર્ક થતા વિસ્ફોટ થયો હતો અને જોતજોતામાં આખી બિલ્ડિંગમાં આગ ફેલાઈ ગઈ હતી. ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં બિલ્ડિંગના લોકો જીવ બચાવવા માટે વાંસની સીડીના સહારે બીજી બિલ્ડિંગમાં જતા જોવા મળી રહ્યા છે. ઘટનામાં બે લોકોના મોત થયા હોવાની અને એક યુવતી તેમજ એક બાળક ગંભીર રીતે દાઝ્યા હોવાની વિગતો સામે આવી છે.




