કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ માટે પદ કરતાં દેશ, આપણી યુવા પેઢી અને વિદ્યાર્થીઓ વધુ મહત્વના છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. અમિત શાહે પહેલી વાર મોડી રાત્રે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની પોસ્ટ શેર કરી પોતાની વાત કહી હતી. અમિત શાહે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ માટે પદ કરતાં દેશ વધારે મહત્વનો છે. આ સાથે જ અમિત શાહે મોદી સરકારના વખાણ પણ કર્યા હતા. તેની અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીને લઈને અમિત શાહ પર નિશાન સાધ્યું હતું.

અમિત શાહે શું કહ્યું?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ માટે પદ કરતાં દેશ, આપણી યુવા પેઢી અને વિદ્યાર્થીઓ વધુ મહત્વના છે. આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ”
અમિત શાહે કહ્યું કે મોદી સરકાર દેશના યુવાનોની ભાવનાઓનું સન્માન કરે છે અને પેપર લીક સામે જરૂરી સુધારા માટે પ્રતિબદ્ધ છે. પેપર લીકના ગુનેગારોને કડક સજા થાય તે સુનિશ્ચિત કરવા માટે મોદી એ લીધેલા નિર્ણયો પ્રશંસનીય છે. મને વિશ્વાસ છે કે આ પગલાઓ નીટની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ સાથે સંપૂર્ણ ન્યાય કરશે.
શાહે વધુમાં જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર પ્રધાને તેમના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી)ના અસરકારક અમલીકરણ, માતૃભાષામાં પરીક્ષાઓનું આયોજન કરવા, પીએમ શાળાઓનું વિસ્તરણ, ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ શૈક્ષણિક સંકલનને મજબૂત કરવાની દિશામાં નોંધપાત્ર સુધારા કર્યા છે. પરીક્ષા પ્રણાલીને વધુ સમાવિષ્ટ અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાના તેમના પ્રયાસો પણ નોંધનીય છે. તેમનો કાર્યકાળ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના તેમના સંકલ્પ પ્રત્યેના તેમના સમર્પણનું પ્રતિબિંબ છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?
તો બીજી બાજુ, રાહુલ ગાંધીએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કહ્યું કે, “આજે વિદ્યાર્થીઓને મોટી જીત મળી છે. ”
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, યાદ રાખો કે પ્રદર્શનમાં જે વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો થયો હતો, કોઈનો હાથ તૂટી ગયો હતો, કોઈનો પગ હતો, કોઈની પાંસળીનો તોડવામાં આવી હતી, પેલેટ ગન જેવા હથિયારનો ઉપયોગ કરાયો, તો ઘણા ઘાયલ થઇ ગંભીર થયા – આ બધા માટે ગૃહમંત્રી અમિત શાહ સીધા જવાબદાર છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે માંગ સ્પષ્ટ છે, આ હુમલાના આયોજકો થી લઈને અમલીકરણ કરનારાઓ સુધી, દરેકને જવાબદાર ઠેરવવા જોઈએ અને તેમની સામે એવી કાર્યવાહી થવી જોઈએ જે વિદ્યાર્થીઓ જોશે – ત્યારે જ ન્યાય મળશે. અમિત શાહ, તમારે જવાબ આપવો પડશે. ”
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સમર્થકો ગયા મહિનાથી દિલ્હીના જંતર મંતર પર તેમના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સીજેપીના સમર્થકો અને જંતર મંતર પર હાજર પ્રદર્શનકારીઓએ જોરદાર ઉજવણી કરી હતી. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગુચકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને યુવાનોની જીત ગણાવી છે.

ધર્મેન્દ્ર પ્રધાને એક પત્ર જારી કરીને રાજીનામાની જાણકારી આપી છે. તેમણે પત્રમાં કહ્યું છે કે તેઓ ૪ દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણના સુધારા માટે સમર્પિત છે. પ્રધાને કહ્યું કે તેઓ દેશના યુવાનોની આકાંક્ષાઓ, ભાવનાઓ અને અપેક્ષાઓનું સન્માન કરે છે અને ભારતની યુવા પેઢીના સપનાને સાકાર કરવું એ આપણા શૈક્ષણિક અને સામાજિક જીવનમાં આપણા બધાનો નૈતિક સંકલ્પ છે. તો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.


