મહિલાઓના આત્મનિર્ભરતાને નવી દિશા
અમદાવાદના ગોમતીપુર સ્થિત ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એપેરલ પાર્ક ડેપો ખાતે આઝાદીના પાવન પર્વ તા. 15 ઓગસ્ટના રોજ મહિલા સશક્તીકરણની એક નવી અને પ્રેરણાદાયી શરૂઆત થઈ છે. ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (જીએલપીસી) અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી)ના સંયુક્ત ઉપક્રમે ‘મંગલમ કેન્ટીન’નો શુભારંભ કરવામાં આવ્યો છે.
![]()
આ કેન્ટીનનું સંપૂર્ણ સંચાલન નાંદેજ ગામના ગોપી સખી મંડળના પૂનમબેન પીયુષભાઈ પરમાર અને અન્ય પાંચ મહિલા સ્વસહાય જૂથોના સભ્યો દ્વારા કરવામાં આવશે, જે નારી શક્તિને રોજગારી અને સ્વરોજગારીની સુવર્ણ તકો પૂરી પાડશે. મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતા અને સામાજિક સશક્તીકરણની દિશામાં આ પહેલ એક મજબૂત કદમ પુરવાર થશે.
જ્યારે સમગ્ર દેશ સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રની આઝાદીનો હર્ષોલ્લાસ મનાવી રહ્યો છે, ત્યારે આ મહિલા સ્વસહાય જૂથના સભ્યો માટે એ દિવસ આર્થિક આઝાદીના એક નવા યુગની શરૂઆત બની છે. પોતાના અથાક પરિશ્રમ, ઉત્કૃષ્ટ કૌશલ્ય અને સાહસના બળે આ મહિલાઓ સફળતાપૂર્વક વ્યવસાયનું સંચાલન કરીને આત્મનિર્ભરતાની એક નવી દિશા કંડારશે.

ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના નેતૃત્વમાં ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા રાજ્યની ગ્રામીણ મહિલાઓને આજીવિકાની નવી તકો સાથે જોડીને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં પ્રારંભ કરાયેલી ‘મંગલમ કેન્ટીન’ એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પહેલ છે, જેનાથી મહિલા સ્વસહાય જૂથોને વ્યવસાય સંચાલન, આવક સર્જન અને સીધા બજાર સાથે જોડાવાની ઉત્કૃષ્ટ તક પ્રાપ્ત થઈ રહી છે.
જીએલપીસી અને જીએમઆરસી નો આ સંયુક્ત સહયોગ માત્ર નારી સશક્તીકરણ પૂરતો સીમિત ન રહેતાં, સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકતા અને સ્વરોજગારને વેગ આપી ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવાનો એક સશક્ત પ્રયાસ પણ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં હાલ આવી ૩૦૦ જેટલી કેન્ટીન સફળતાપૂર્વક કાર્યરત છે, જેના થકી ૧૭૦૦ થી વધુ મહિલાઓને સીધી રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. કેન્ટીનના કદ અને વ્યવસાય મુજબ સ્વસહાય જૂથની બહેનોને માસિક રૂ. ૧૦ હજારથી લઈને રૂ. ૩૦ હજાર સુધીની આવક મળી રહી છે, જે તેમના આર્થિક સ્વાવલંબનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
![]()
આ પ્રસંગે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જોઈન્ટ એમ.ડી. શ્રી સંજય ગુપ્તા તથા ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડના જોઈન્ટ એમ.ડી. શ્રીમતી શોભના વર્મા સહિત જીએલપીસી અને જીએમઆરસી ના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
