બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત પોતાના નિવેદનોને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જેન ઝી અંગે કરેલી તેમની એક ટિપ્પણી વિવાદમાં આવી છે. કંગનાએ કેટલાક યુવાનોના વર્તન પર ટિપ્પણી કરતાં તેમને ‘ગટર જનરેશન’ ગણાવ્યા હતા. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમની ભારે ટીકા થઈ હતી. યોગગુરુ બાબા રામદેવે પણ કંગનાના નિવેદન પર સવાલો ઉઠાવ્યા હતા. હવે કંગનાએ તેમના નિવેદનનો જવાબ આપ્યો છે.

બાબા રામદેવે શું કહ્યું હતું?
દિલ્હીના જંતર-મંતર ખાતે નીટ પેપર લીક મામલે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક યુવાનો દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને કંગનાએ જેન ઝી ને ‘ગટર જનરેશન’ કહી હતી.
આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં બાબા રામદેવે કહ્યું હતું કે, “તેમની લાયકાત શું છે? તેમનું બાળપણ કેવું રહ્યું છે? તેમની યુવાની કેવી રહી છે? તેમના અગાઉના કારનામા કેવા રહ્યા છે? હું આવા લોકો વિશે વાત કરવા માંગતો નથી.”

કંગનાનો પલટવાર
બાબા રામદેવના નિવેદન બાદ કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને જવાબ આપ્યો હતો. કંગનાએ લખ્યું હતું કે, “બાબાજી, મારી યુવાની કે મારા બેડરૂમ વિશે સપના ન જુઓ. લોકો તો અફવાઓ અને ગોસિપના આધારે અંદાજ લગાવે છે. ઓછામાં ઓછું મને તો ખોટા અથવા ભ્રામક મેડિકલ દાવાઓ માટે સુપ્રીમ કોર્ટ તરફથી ક્યારેય ઠપકો મળ્યો નથી.”
તેમણે વધુમાં લખ્યું કે, “મારા દાવા હંમેશા તથ્યો પર આધારિત હોય છે, કોઈ ગોસિપ કે અનુમાન પર નહીં. તેથી મને ચરિત્રનો પાઠ ન શીખવશો. મારું ચરિત્ર તમારા કરતાં ઘણું સારું છે. અહીં કોઈ છેતરપિંડી સાબિત થઈ નથી.”

‘શું હું તેમના ગુનાઓ પર લીપાપોતી કરું?’
કંગનાની ટિપ્પણીની નિંદા કરતાં બાબા રામદેવે કહ્યું હતું કે, “દેશના યુવાનોને ગટર જનરેશન કહેવું એ પોતે જ વિકૃત માનસિકતાની નિશાની છે. આ ખોટું છે. તેમની પાર્ટીના લોકોએ પણ આ મામલે ધ્યાને લેવું જોઈએ.”
જ્યારે તેમને યાદ અપાવવામાં આવ્યું કે કંગના અગાઉ તેમની પ્રશંસા કરતી રહી છે, ત્યારે બાબા રામદેવે જવાબ આપ્યો હતો, “મારી પ્રશંસા કરે કે યોગની પ્રશંસા કરે એટલે શું હું તેમના ગુનાઓ પર અહીં લીપાપોતી કરી દઉં?”

શું છે સમગ્ર વિવાદ?
- દિલ્હીમાં નીટ પેપર લીક અને પરીક્ષા સુધારાની માગ સાથે વિદ્યાર્થીઓ અને યુવાનો જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
- ૨૦ જુલાઈના ‘ચલો સંસદ’ માર્ચ દરમિયાન પોલીસ કાર્યવાહી બાદ વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો.
- લાઠીચાર્જ બાદ કેટલાક યુવાનો દ્વારા સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
- આ દરમિયાન કેટલાક લોકોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
- સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આવા વીડિયોને આધારે કંગનાએ જેન ઝી ને ‘ગટર જનરેશન’ ગણાવી હતી.
- ત્યારબાદ કંગનાના નિવેદનની વ્યાપક ટીકા થઈ હતી અને હવે આ મુદ્દે કંગના તથા બાબા રામદેવ વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થયું છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
