ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને મળી રાષ્ટ્રીય જવાબદારી

દેશના યુવા અને ખાસ કરીને જેન ઝી મતદારો સાથે સીધો સંપર્ક વધારવા ભારતીય જનતા પાર્ટીએ વિશેષ ટીમ બનાવી છે. આ રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બીજેપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન, રાષ્ટ્રીય મહામંત્રી સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડે જેવા મોટા નામો સાથે હર્ષ સંઘવીનો સમાવેશ થતાં ગુજરાત માટે પણ આ નિર્ણય રાજકીય રીતે મહત્ત્વનો બન્યો છે. હર્ષ સંઘવી હાલમાં ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. હવે રાજ્યની રાજનીતિ ઉપરાંત યુવાનો સાથે બીજેપી ના રાષ્ટ્રીય સ્તરના આઉટરીચ કાર્યક્રમમાં પણ તેમની ભૂમિકા જોવા મળશે.

હર્ષ સંઘવીને કેમ મળી શકે છે મહત્ત્વની ભૂમિકા?
હર્ષ સંઘવી બીજેપી ના પ્રમાણમાં યુવા અને જાણીતા રાજકીય ચહેરાઓમાં સામેલ છે. યુવા, રમતગમત અને જાહેર કાર્યક્રમો સાથે જોડાયેલા તેમના અનુભવને જોતા જેન ઝી સાથેના સંવાદ માટે પાર્ટીએ તેમને ટીમમાં સામેલ કર્યા છે. નવી ટીમમાં ગુજરાતના હર્ષ સંઘવી ઉપરાંત છત્તીસગઢના મંત્રી ઓપી ચૌધરી, સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે સહિત વિવિધ નેતાઓને સ્થાન મળ્યું છે. પાર્ટીનો ઉદ્દેશ માત્ર ચૂંટણી પ્રચાર નહીં, પરંતુ યુવાનોની અપેક્ષાઓ, રોજગાર, શિક્ષણ, કારકિર્દી અને અન્ય મુદ્દાઓ પર સીધો સંવાદ સ્થાપવાનો છે.

પીએમ મોદીની સૂચના બાદ જેન ઝી પર બીજેપી નું ફોકસ
આ પહેલ એવા સમયે સામે આવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના મંત્રીઓ અને નેતાઓને યુવાનો સાથે સીધો સંપર્ક વધારવા જણાવ્યું હોવાના અહેવાલ છે. યુનિવર્સિટીઓ, કોલેજો અને સરકારી શાળાઓ સુધી જઈને નવી પેઢી સાથે સંવાદ કરવાની દિશામાં પાર્ટી આગળ વધવા માંગે છે. બીજેપી નો પ્રયાસ જેન ઝી સુધી માત્ર સોશિયલ મીડિયા મારફતે પહોંચવાનો નહીં પરંતુ રૂબરૂ ચર્ચા, સંવાદ અને વિવિધ કાર્યક્રમો દ્વારા તેમની વાત સાંભળવાનો રહેશે. હર્ષ સંઘવીનો આ રાષ્ટ્રીય ટીમમાં સમાવેશ થયા બાદ ગુજરાતમાં પણ જેન ઝી outreach કાર્યક્રમને વિશેષ મહત્વ મળવાની શક્યતા વધી છે.
![]()
ભાજપ અને કોંગ્રેસ બંનેની નજર જેન ઝી પર
બીજેપી ની આ નવી ઝુંબેશ એવા સમયે શરૂ થઈ રહી છે જ્યારે કોંગ્રેસ પણ યુવા મતદારો અને વિદ્યાર્થીઓ સાથે સંપર્ક વધારવા સક્રિય બની છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો છાત્રોં કી ગૂંજ કાર્યક્રમ ૨૨ ઓગસ્ટે પુણેમાં યોજાયો છે. આ કાર્યક્રમમાં શિક્ષણ, પરીક્ષાઓ, સુરક્ષા, સમાનતા અને કારકિર્દી જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી અને તેમાં ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ લોકોની હાજરીની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. બીજેપી એ રાહુલ ગાંધીના આ કાર્યક્રમ પર સવાલ પણ ઉઠાવ્યા છે. પાર્ટીના મહારાષ્ટ્ર પ્રવક્તા નવનાથ બાને કોંગ્રેસ પર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને પૈસા આપીને ભીડ એકત્ર કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે કોંગ્રેસે આ આરોપોને નકારી કાઢ્યા હતા.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
