ન્યુઝીલેન્ડ સરકારે દેશમાં ૧૬ વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકનારું ‘ઓનલાઈન સેફ્ટી બિલ’ રજૂ કર્યું છે. સરકારના આ મહત્ત્વના નિર્ણયનો મુખ્ય હેતુ દેશના યુવાનોને ઓનલાઈન ઉત્પીડન, વ્યસન લગાડનારા એલ્ગોરિધમ અને માનસિક સ્વાસ્થ્ય પર પડતી ગંભીર અસરોથી બચાવવાનો છે.

બિલની મુખ્ય જોગવાઈઓ
-
ટેક્નોલોજી કંપનીઓ પર ભારે દંડ: નિયમોનું પાલન ન કરનાર મેટા, ટિકટોક અને સ્નેપચેટ જેવી દિગ્ગજ કંપનીઓ પર તેમના વૈશ્વિક રેવેન્યુના ૧૦ % સુધીનો દંડ ફટકારી શકાશે.
-
એજ વેરિફિકેશનની પદ્ધતિઓ: પ્લેટફોર્મ્સે યુઝર્સની ઉંમર ૧૬ વર્ષથી વધુ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ડિજિટલ ID, ફેશિયલ એજ એસ્ટીમેશન, હાલના એકાઉન્ટ ડેટા અને સત્તાવાર દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે.
-
બાળકો કે વાલીઓ પર કોઈ પેનલ્ટી નહીં: દેશના શિક્ષણ મંત્રી એરિકા સ્ટેનફોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કાયદાનું પાલન કરાવવાની સંપૂર્ણ કાનૂની જવાબદારી ટેક્નોલોજી કંપનીઓની જ રહેશે. બાળકો કે તેમના માતા-પિતા પર કોઈ દંડ લાદવામાં આવશે નહીં.
/socialsamosa/media/media_files/2026/08/24/new-zealand-under-16-social-media-ban-2026-08-24-16-02-26.png)
ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ષનએ જણાવ્યું હતું કે, ‘અમે દેશના બાળકોની આખી પેઢીને થઈ રહેલું નુકસાન સહન કરી શકીએ નહીં. ૧૩ થી ૧૭ વર્ષનું દર ત્રીજું બાળક રોજનો ઓછામાં ઓછો ૫ કલાકનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે, જેનાથી તેમનું કૌટુંબિક જીવન, અભ્યાસ અને ઊંઘ પ્રભાવિત થઈ રહ્યા છે.’

સંસદમાં બિલ પસાર થવું પડકારજનક
આ બિલને કાયદાનું સ્વરૂપ આપવા માટે રાજકીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રધાનમંત્રી લક્ષનની ગઠબંધન સરકારના બે મુખ્ય સહયોગી પક્ષો—’એક્ટ’ (ACT) પાર્ટી અને ‘ન્યુઝીલેન્ડ ફર્સ્ટ’ (NZ First)—આ બિલનો વિરોધ કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડ ફર્સ્ટનું માનવું છે કે બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાની જવાબદારી વાલીઓની છે. બીજી તરફ, મુખ્ય વિપક્ષી દળ લેબર પાર્ટીએ વેરિફિકેશન અને પ્રાઈવસી સંબંધિત સવાલો ઉઠાવ્યા છે અને હજુ સુધી પોતાનું અંતિમ સમર્થન જાહેર કર્યું નથી.

વિશ્વના કયા દેશોમાં આવા કાયદા લાગુ છે?
ઓસ્ટ્રેલિયા ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનારો વિશ્વનો પહેલો દેશ બન્યો હતો. હવે ફ્રાન્સ, યુકે, ઈન્ડોનેશિયા, મલેશિયા, બ્રાઝિલ અને યુએઈ (UAE) સહિતના દેશોએ પણ આવા કાયદા પસાર કર્યા છે અથવા પ્રસ્તાવો આગળ વધાર્યા છે.

-
ઈન્ડોનેશિયા: ૧૬ વર્ષથી નાની વયના બાળકો માટે ૮ હાઈ-રિસ્ક પ્લેટફોર્મ્સ પર એકાઉન્ટ ડીએક્ટિવેશન તેમજ એજ વૅરિફિકેશન અને પૅરેન્ટલ કંટ્રોલ ફરજિયાત કરાયા છે. આ કાયદો ૨૮ માર્ચ, ૨૦૨૬ થી અમલી બન્યો છે.
-
બ્રાઝિલ: ૧૬
-
વર્ષથી ઓછી ઉંમરના સગીરોના એકાઉન્ટને કાનૂની વાલી સાથે લિંક કરવું ફરજિયાત છે. આ કાયદો ૧૭ માર્ચ, ૨૦૨૬ થી લાગુ થયો છે.
-
મલેશિયા: લાઇસન્સ ધરાવતા પ્લેટફોર્મ્સ પર ૧૬ થી નાની વયના બાળકો માટે એકાઉન્ટ બનાવવા પર બૅન મૂકવામાં આવ્યો છે. આ માટે ડિજિટલ ID કે પાસપોર્ટથી વૅરિફિકેશન જરૂરી છે અને નિયમ તોડવા પર ૨.૫ મિલિયન ડૉલર સુધીના દંડની જોગવાઈ છે. આ નિયમ ૧ જૂન, ૨૦૨૬ થી લાગુ કરાયો છે.
-
ફ્રાન્સ: ૧૫ વર્ષથી નાના બાળકો માટે નવા એકાઉન્ટ બનાવવા પર રોક મૂકવા માટે ૨૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ કાયદો પસાર કરાયો હતો. જોકે, બંધારણીય પરિષદે ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ અભિવ્યક્તિની આઝાદીના હવાલેથી તેના પર રોક લગાવી દીધી હતી, જેથી સરકાર હવે નવો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
