ટ્રમ્પ સરકાર! કહ્યું- વધુ અરજી આવશે તો ઇબી-૧ ગ્રીન કાર્ડ બંધ કરીશું

અમેરિકામાં કાયમી વસવાટ અને ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોઈ રહેલા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે વધુ એક મોટો ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે કે ભારતીય અરજદારો તરફથી અતિશય ઊંચી માંગને કારણે ‘ઇબી-૧’ ગ્રીન કાર્ડ કેટેગરી આગામી થોડા અઠવાડિયામાં કામચલાઉ ધોરણે બંધ થઈ શકે છે. અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના વિઝા બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે જો ભારતીય અરજદારો દ્વારા ઇબી-૧ વિઝા નંબરોનો ઉપયોગ આ જ ઝડપે ચાલુ રહ્યો અને દેશ માટે નિર્ધારિત વાર્ષિક મર્યાદા વહેલી પૂરી થઈ જશે, તો 30 સપ્ટેમ્બરે સમાપ્ત થતા અમેરિકન નાણાકીય વર્ષ પહેલાં જ આ કેટેગરીને ‘અનઅવેલેબલ’ જાહેર કરી દેવામાં આવી શકે છે.

વિદેશ વિભાગે સ્પષ્ટતા કરી છે કે તેઓ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂર પડ્યે જરૂરી નિયમકીય ફેરફારો કરવામાં આવશે. આ સમગ્ર કટોકટી પાછળનું મુખ્ય કારણ રોજગાર આધારિત ગ્રીન કાર્ડની મર્યાદિત સંખ્યા અને તેની સામે ભારતીય અરજદારોની જંગી માંગ છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે વૈશ્વિક સ્તરે તમામ દેશો માટે રોજગાર આધારિત ઇમિગ્રેશન વિઝાની કુલ વાર્ષિક મર્યાદા ૧,૮૬,૩૧૭ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, અમેરિકન ઇમિગ્રેશન કાયદા હેઠળ સામાન્ય સંજોગોમાં કોઈપણ એક દેશ માટે કુટુંબ અને રોજગાર આધારિત પ્રાથમિકતાવાળા વિઝા પર વાર્ષિક મહત્તમ ૭ % ની કન્ટ્રી-કેપ લાગુ પડે છે; જોકે અમુક વિશિષ્ટ સંજોગોમાં અગાઉના વર્ષોના વણવપરાયેલા વિઝા નંબરો આગળ વાપરવાની છૂટ મળે છે.

ઇબી-૧ એ યુએસ એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ગ્રીન કાર્ડની પ્રથમ પ્રાથમિકતા ધરાવતી શ્રેણી છે. આ કેટેગરીમાં મુખ્યત્વે અસાધારણ પ્રતિભા ધરાવતા નિષ્ણાતો, ઉત્કૃષ્ટ પ્રોફેસરો અને સંશોધકો, તેમજ બહુરાષ્ટ્રીય કંપનીઓના ટોચના એક્ઝિક્યુટિવ્સ અને વરિષ્ઠ મેનેજર્સનો સમાવેશ થાય છે. ભારતીય પ્રોફેશનલ્સ માટે આ ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે રોજગાર આધારિત અન્ય તમામ ગ્રીન કાર્ડ કેટેગરીઓમાં પહેલેથી જ દાયકાઓ લાંબો વેઇટિંગ પિરિયડ ચાલી રહ્યો છે. સપ્ટેમ્બર મહિના માટે ઇબી-૧ ઇન્ડિયાની ‘ફાઇનલ એક્શન ડેટ’ 15 ઓક્ટોબર 2022 નક્કી કરવામાં આવી છે, જેનો અર્થ એ થાય છે કે જે ભારતીય અરજદારની પ્રાયોરિટી તારીખ આ તારીખ પહેલાંની હશે, માત્ર તેમની જ અંતિમ અરજી પ્રક્રિયા આગળ વધી શકશે.

ભારતીય આઈટી અને ટેકનિકલ પ્રોફેશનલ્સ માટે સૌથી લોકપ્રિય એવી ઇબી-૨ કેટેગરી (ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી અને વિશેષ ક્ષમતા ધરાવતા વ્યાવસાયિકો) સપ્ટેમ્બર મહિનામાં પણ ભારતીયો માટે ‘U’ એટલે કે ‘અનઅવેલેબલ’ રાખવામાં આવી છે. આ કેટેગરી ઓગસ્ટ મહિનામાં પણ ભારતીય અરજદારો માટે ઉપલબ્ધ નહોતી.
![]()
બીજી તરફ, ઇબી-૩ કેટેગરીમાં ભારતીયો માટેનો ઇંતેજાર વધુ પીડાદાયક બની ગયો છે. સપ્ટેમ્બરમાં ભારત માટે ઇબી-૩ ની ફાઇનલ એક્શન ડેટ ૧ જાન્યુઆરી ૨૦૧૪ છે, જે દર્શાવે છે કે આ કેટેગરીમાં ભારતીય અરજદારોની કતાર ૧૨ વર્ષ કરતાં પણ વધુ જૂની થઈ ચૂકી છે. વૈશ્વિક સરખામણી કરીએ તો વિશ્વના મોટાભાગના અન્ય દેશો માટે ઇબી-૩ ની તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૨૪ છે, જ્યારે ચીન માટે ૧ જાન્યુઆરી ૨૦૨૨ અને ફિલિપાઇન્સ માટે ૧ ઓગસ્ટ ૨૦૨૩ છે.

સામાન્ય ભારતીય રોકાણકારો માટેની ઇબી-૫ કેટેગરી પણ સપ્ટેમ્બર મહિના માટે ફાઇનલ એક્શન પ્રક્રિયા હેઠળ અનઅવેલેબલ છે. જોકે ગ્રામીણ વિસ્તારો, ઊંચી બેરોજગારી ધરાવતા પ્રદેશો અને પાયાની માળખાકીય યોજનાઓ માટે અનામત રાખવામાં આવેલી વિશિષ્ટ ઇબી-૫ સબ-કેટેગરીઝ હાલ પૂરતી તમામ દેશો માટે ઉપલબ્ધ રાખવામાં આવી છે.

સપ્ટેમ્બર મહિનામાં નવી અરજીઓ જમા કરાવવા માટેની તારીખો ફાઇનલ એક્શન ડેટ્સ કરતાં થોડી આગળ છે; જેમાં ભારત માટે ઇબી-૧ માં ૧ ડિસેમ્બર ૨૦૨૩, ઇબી-૨ માં ૧૫ જાન્યુઆરી ૨૦૧૫ અને ઇબી-૩ માં પણ ૧૫ જાન્યુઆરી ૨૦૧૫ નક્કી કરાઈ છે. જોકે અમેરિકામાં રહીને પોતાનું સ્ટેટસ બદલવા માંગતા ભારતીયોએ એ ચકાસવું પડશે કે યુએસસીઆઈએસ તે ચોક્કસ મહિનામાં અરજી સ્વીકારવા માટે કયા ચાર્ટને સત્તાવાર માન્યતા આપે છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
