અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ પાસે કોઠાવાલા ફ્લેટ નજીક આવેલા સ્પા સેન્ટરમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવની કામગીરી હાથ ધરીને સ્પામાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

સ્પા સેન્ટરમાં આગ લાગતાં જ અંદર ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા, જેના કારણે અંદર હાજર લોકો ફસાઈ ગયા હતા. ઘટના સમયે સ્પામાં ૪ લોકો ફસાયા હોવાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર ટીમે અંદર ફસાયેલી ૩ મહિલાઓ અને ૧ પુરુષ મળીને કુલ ચાર લોકોને સલામત રીતે બહાર કાઢી મોટી દુર્ઘટના ટાળી હતી.

ઘટનાસ્થળે ફાયર વિભાગની ૭ થી ૮ જેટલી ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની તથા કૂલિંગ કામગીરી હાથ ધરી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
