પ્રશાંત મહાસાગરમાં ૨૩૦ કિમી/કલાકની ઝડપે આવી રહેલું ‘રગાસા’ નામનું સુપર ટાઈફૂન થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, ચીન, તાઈવાન અને હોંગકોંગમાં તબાહી મચાવવા તૈયાર છે. ૧૮ સપ્ટેમ્બરે સક્રિય થયેલું આ વાવાઝોડું ૨૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, જેના કારણે પાંચેય દેશોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે ફ્લાઈટ્સ, શાળાઓ અને કોલેજો બંધ કરી દેવાયા છે અને દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવી લોકોને સુરક્ષિત રહેવા સૂચના આપવામાં આવી છે.

૧૮ સપ્ટેમ્બરે ફિલિપાઈન્સ પાસે શરૂ થયેલું ઓછું દબાણનું ક્ષેત્ર ૨૧ સપ્ટેમ્બર સુધીમાં ‘રગાસા’ (નાન્ડો) સુપર ટાઈફૂનમાં ફેરવાઈ ગયું. આ વાવાઝોડું ૨૨ સપ્ટેમ્બરે લુઝોન સ્ટ્રેટ પાર કરીને ૨૩ સપ્ટેમ્બરે દક્ષિણ ચીનના સાગરમાં પ્રવેશ કરશે અને હોંગકોંગ-થાઈલેન્ડ તરફ આગળ વધશે. ૨૪ સપ્ટેમ્બર સુધીમાં તે નબળું પડી જશે.

ફિલિપાઈન્સની હવામાન એજન્સી અને હોંગકોંગની વેધશાળા અનુસાર, કેટેગરી-૪ ના સુપર ટાઈફૂન રગાસાને કારણે ૧૮૫ કિલોમીટર પ્રતિ કલાક (૧૧૫ માઈલ/કલાક)ની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. ૨૩૦ કિલોમીટર પ્રતિ કલાક (૧૪૫ માઈલ/કલાક)ની ઝડપવાળા પવનોના ઝાપટાં આવી શકે છે. દરિયાની સપાટીના ૩૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થવા અને ઓછા વિન્ડ શિયરને કારણે વાવાઝોડાને વધુ મજબૂતી મળી છે.

વાવાઝોડાને કારણે હોંગકોંગના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૫૦૦ થી વધુ ફ્લાઈટ્સ રદ થવાની શક્યતા છે. મંગળવાર અને બુધવારે શાળાઓ બંધ રહેશે અને હોંગકોંગ એક્સચેન્જ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બીજી તરફ, ઉત્તરીય ફિલિપાઈન્સના લુઝોન ટાપુ પર ૧૦,૦૦૦ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મનિલા સહિત અનેક પ્રાંતોમાં સરકારી કામકાજ અને શાળાઓ બંધ છે, અને ભારે વરસાદથી પૂર અને માળખાકીય નુકસાન થવાની ભીતિ છે.

આ વાવાઝોડાની ઝપેટમાં આવવાથી ૫ લોકોના મોત થયા છે અને ૫૦,૦૦૦ થી વધુ લોકો બેઘર થયા છે. પાકને નુકસાન થવાથી ૫૦૦ મિલિયન ડોલર સુધીનું નુકસાન થઈ ચૂક્યું છે.

જોઈન્ટ ટાઈફૂન વોર્નિંગ સેન્ટર અનુસાર, ‘રગાસા’ વાવાઝોડું ૨૨ સપ્ટેમ્બર સુધી તાઈવાનને અસર કરશે. તાઈવાનની સીડબલ્યુએ એજન્સીએ બાશી ચેનલ પાસે વાવાઝોડું વધુ મજબૂત બનવાની ચેતવણી સાથે ફ્લાઈટ્સ રદ કરી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની ચેતવણી આપી છે.
![]()
૨૪ સપ્ટેમ્બર સુધીમાં વાવાઝોડું હોંગકોંગ પહોંચશે, જ્યાં ૨૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો અને પૂરનો ખતરો છે. ૨૩-૨૪ સપ્ટેમ્બર દરમિયાન તે દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ કરીને ગ્વાંગડોંગમાં લેન્ડફોલ કરી શકે છે. વિયેતનામમાં પણ તોફાની પવનો અને ભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાને કારણે વીજળી અને પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ છે.

જોઈન્ટ ટાઈફૂન વોર્નિંગ સેન્ટર (જેટીડબ્લ્યુસી) અને હોંગકોંગ ઓબ્ઝર્વેટરી (એચકેઓ) અનુસાર, ટાઈફૂન રગાસાની અસર પૂર્વ એશિયાના દેશો પર પડશે. ભારતમાં તેના પહોંચવાની કોઈ શક્યતા નથી. ભારતના સમુદ્ર તરફ તેનો માર્ગ ન હોવાને કારણે તેની કોઈ સીધી અસર પણ નહીં થાય. ટાઈફૂન રગાસા પ્રશાંત મહાસાગરના જે ભાગમાં સક્રિય છે, તે ભારતથી ૩૦૦૦-૪૦૦૦ કિલોમીટર દૂર છે, ભારતના પૂર્વ કિનારાના અંદામાન-નિકોબાર કે ઓડિશાથી પણ તે ઘણો દૂર છે.

