સુરતમાં ચાલુ સિટી બસમાં અચાનક આગ લાગી

ડાયમંડ સિટી સુરતમાં જાહેર પરિવહન સેવા સમાન સિટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. (૨ જાન્યુઆરી) શહેરના અમરોલી વિસ્તારમાં ચાલુ સિટી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં સવાર ૧૫ થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા, પરંતુ સમયસૂચકતાના કારણે એક મોટી હોનારત ટળી છે.

fire

મળતી માહિતી મુજબ, સિટી બસ જ્યારે અમરોલી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસના એન્જિનના ભાગેથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને બસ તાત્કાલિક ઉભી રાખી દીધી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બસ આગની ઝપટમાં આવી ગઈ હતી.

આગ લાગતા જ બસમાં સવાર ૧૫ થી વધુ મુસાફરોમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે બસમાંથી બહાર કૂદી પડ્યા હતા. સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેથી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ એટલી ભીષણ હતી કે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *